<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

ટેક્સ્ટાઈલ સેક્ટર માટે મોદી સરકારની મોટી તૈયારી: આગામી ૨ મહિનામાં નવી ધમાકેદાર યોજનાઓને મળશે કેબિનેટની લીલી ઝંડી!

વસ્ત્ર ઉદ્યોગમાં આધુનિકીકરણ અને રોજગારનો મોટો ઉછાળો લાવવા ગીરિરાજ સિંહનું એલાન: ટેક્સ ઈકો, TEEM, નેશનલ ફાઈબર અને સમર્થ ૨.૦ સ્કીમથી ટેક્સ્ટાઈલ સેક્ટર ગ્લોબલ હબ બનશે

નવી દિલ્હી : ભારતના ટેક્સ્ટાઈલ (કાપડ) ઉદ્યોગને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત અને સ્પર્ધાત્મક બનાવવા માટે કેન્દ્રીય ટેક્સ્ટાઈલ મંત્રાલયે કમર કસી છે. આગામી એક-બે મહિનામાં ટેક્સ્ટાઈલ સેક્ટરના સર્વાંગી વિકાસ માટે વિવિધ મહત્ત્વકાંક્ષી યોજનાઓને કેબિનેટની મંજૂરી માટે મોકલવામાં આવશે, તેમ કેન્દ્રીય કાપડ મંત્રી ગીરિરાજ સિંહે તાજેતરમાં લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યું હતું.

 

બજેટ ૨૦૨૬-૨૭ ની યોજનાઓ પર વાગશે કેબિનેટની મોહર

 

મંત્રાલયના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ, કેબિનેટની મંજૂરી માટે રજૂ થનારી યોજનાઓમાં પ્રિ-બજેટ ૨૦૨૬-૨૭ માં જાહેર કરાયેલી પ્રમુખ યોજનાઓનો સમાવેશ થાય છે. આ યોજનાઓમાં મુખ્યત્વે 'ટેક્સ ઈકો ઈનિશિયેટિવ', 'ટીઈઈએમ' (TEEM - ટેક્સ્ટાઈલ એક્સપાન્શન એન્ડ એમ્પ્લોયમેન્ટ), 'નેશનલ ફાઈબર સ્કીમ' અને 'સમર્થ ૨.૦' (Samarth 2.0) નો સમાવેશ થાય છે. આ તમામ સ્કીમો મંજૂર થતાં જ દેશના કાપડ ક્ષેત્રે પરિવર્તનનો નવો યુગ શરૂ થશે.

 

આધુનિકીકરણ, રોજગારી અને આત્મનિર્ભરતા પર વિશેષ ભાર

 

કેન્દ્રીય મંત્રી ગીરિરાજ સિંહે વિગત આપતાં જણાવ્યું હતું કે:


 

  • ટેક્સ ઈકો સ્કીમ: આ યોજના દેશના વસ્ત્ર અને કાપડ ઉદ્યોગને પર્યાવરણ અનુકૂળ (Eco-friendly) બનાવવાની સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાત્મક બનાવશે.

 

  • TEEM સ્કીમ: કાપડ ઉદ્યોગને આધુનિક ટેક્નોલોજીથી સજ્જ કરવાની સાથે દેશના યુવાનો માટે મોટા પાયે રોજગારીની નવી તકો ઊભી કરશે.

 

  • નેશનલ ફાઈબર સ્કીમ: દેશને ફાઈબર ઉત્પાદનમાં સંપૂર્ણપણે આત્મનિર્ભર બનાવશે, જેથી વિદેશથી થતી આયાત પરની નિર્ભરતા ઘટી જશે.

 

  • સમર્થ ૨.૦ સ્કીમ: રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ (Skill Development) ક્ષેત્રે ક્રાંતિ લાવીને કારીગરો અને કામદારોને આધુનિક તાલીમ પૂરી પાડશે.

 

(8:21 PM IST)