તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th May 2026
મોદી સરકારનું મોટું આયોજન : મંત્રીઓના પ્રવાસ પર કાપ અને અધિકારીઓ માટે વર્ક ફ્રોમ હોમના આદેશ જારી
સરકારી ખર્ચમાં ઘટાડો કરવા અને કાર્યક્ષમતા વધારવા માટે કેન્દ્રનો મહત્વનો નિર્ણય : બિનજરૂરી મુસાફરી ટાળવા અને ટેકનોલોજીનો ઉપયોગ કરવા પર મુકાયો ભાર

નવી દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે સરકારી ખર્ચમાં કરકસર કરવા અને વહીવટી પ્રક્રિયાને વધુ આધુનિક બનાવવા માટે એક મોટું આયોજન કર્યું છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલી નવી માર્ગદર્શિકા મુજબ હવે મંત્રીઓના પ્રવાસ પર કાપ મૂકવામાં આવશે અને અધિકારીઓ માટે 'વર્ક ફ્રોમ હોમ' (WFH) ના વિકલ્પને પ્રોત્સાહન આપવામાં આવશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ સરકારી તિજોરી પર પડતો વધારાનો બોજ ઘટાડવાનો અને સમયનો સદુપયોગ કરવાનો છે.
કેન્દ્ર સરકારના આદેશ મુજબ, મંત્રીઓએ હવે માત્ર અનિવાર્ય સંજોગોમાં જ પ્રવાસ કરવાનો રહેશે. પ્રવાસને બદલે વિડિયો કોન્ફરન્સિંગ અને અન્ય ડિજિટલ માધ્યમો દ્વારા બેઠકો યોજવા પર ભાર મૂકવામાં આવ્યો છે. જો કોઈ મંત્રીએ વિદેશ પ્રવાસ કે આંતરરાજ્ય પ્રવાસ કરવો હોય, તો તેના માટે અગાઉથી મંજૂરી લેવી પડશે અને તેના હેતુની સ્પષ્ટતા કરવી પડશે.
અધિકારીઓ માટે પણ સરકારની યોજના એકદમ સ્પષ્ટ છે. ફાઇલોના નિકાલ અને દૈનિક કામકાજ માટે અધિકારીઓને ઘરેથી કામ કરવાની છૂટ આપવામાં આવશે, જેથી ઓફિસના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈંધણનો ખર્ચ બચાવી શકાય. આ વ્યવસ્થા હેઠળ પ્રોજેક્ટ્સનું મોનિટરિંગ ઓનલાઇન કરવામાં આવશે અને રિપોર્ટિંગ સિસ્ટમ પણ ડિજિટલ રહેશે.
સરકારના આ પગલાથી વહીવટી તંત્રમાં મોટા ફેરફારો આવવાની અપેક્ષા છે. અગાઉ મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓના પ્રવાસ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થતો હતો, જે હવે બચાવી શકાશે. વડાપ્રધાને પોતે જ અધિકારીઓ સાથેની બેઠકમાં સૂચવ્યું હતું કે ટેકનોલોજીના યુગમાં ભૌતિક હાજરી કરતા પરિણામલક્ષી કામગીરી વધુ મહત્વની છે.
આયોજન મુજબ, આગામી દિવસોમાં તમામ મંત્રાલયોએ આ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જો કોઈ વિભાગ આ માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરશે, તો તેની ગંભીર નોંધ લેવામાં આવશે. મોદી સરકારના આ 'માસ્ટર પ્લાન' થી માત્ર નાણાકીય બચત જ નહીં થાય, પરંતુ પર્યાવરણના જતનમાં પણ મદદ મળશે.
(10:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
