તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th November 2026
બોમ્બે હાઇકોર્ટે ગિરગાંવ ચોપાટી પર છઠ પૂજાની મંજૂરી માંગતી મિથિલા સંઘની અરજી પર ત્વરિત રાહત આપવાનો કર્યો ઇનકાર
અદાલતે નોંધ્યું કે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર જાહેર વ્યવસ્થા, નૈતિકતા અને સ્વાસ્થ્યને આધીન છે તેમજ પ્રક્રિયાગત નિયમોનું પાલન કરવું આવશ્યક છે.

મુંબઈ : ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર જાહેર વ્યવસ્થા, નૈતિકતા અને સ્વાસ્થ્યને આધીન હોવાનું જણાવી બોમ્બે હાઇકોર્ટે મિથિલા છઠ પૂજા સંઘને કોઈ પણ પ્રકારની ત્વરિત રાહત આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. આ સંઘ આગામી પંદર અને સોળ નવેમ્બરે ગિરગાંવ ચોપાટી પર છઠ પૂજાના ઉત્સવનું ભવ્ય આયોજન કરવા માટે મંજૂરી માંગી રહ્યો હતો. ડીબી માર્ગ પોલીસ સ્ટેશને ઉચ્ચ અધિકારીઓની સમિતિના આદેશો ટાંકીને સત્તર સપ્ટેમ્બરે તેમની અરજી ફગાવી દીધા બાદ આ સંઘે વેકેશન બેંચ સમક્ષ અરજી દાખલ કરી હતી.
સમિતિના નિર્દેશો સ્પષ્ટ કરતા જણાવવામાં આવ્યું હતું કે ગિરગાંવ ચોપાટી પર ગણેશોત્સવ, નવરાત્રી ઉત્સવ, રામલીલા, કૃષ્ણલીલા અને ક્રિસમસ સિવાયના અન્ય કોઈ પણ કાર્યક્રમો યોજવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ન્યાયમૂર્તિ અદ્વૈત સેઠના અને ન્યાયમૂર્તિ રણજીતસિંહ રાજા ભોંસલેની ખંડપીથે નોંધ્યું કે અરજદાર સંસ્થા અગાઉની પરવાનગીઓ અને અદાલત દ્વારા નિયુક્ત નિરીક્ષણ સમિતિઓ સંબંધિત પ્રક્રિયાગત આવશ્યકતાઓનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે.
અરજી પર વિચારણા કરતી વખતે બેંચે બંધારણીય મર્યાદાઓ પર ભાર મૂક્યો હતો. અદાલતે અવલોકન કર્યું કે નિઃશંકપણે અંતઃકરણની સ્વતંત્રતા તેમજ ધર્મની મુક્ત અભિવ્યક્તિ, આચરણ અને પ્રચાર કરવાનો અધિકાર છે. જો કે બંધારણીય જોગવાઈ મુજબ આ અધિકાર જાહેર વ્યવસ્થા, નૈતિકતા અને સ્વાસ્થ્યને આધીન છે.
સુનાવણી દરમિયાન સંઘના વકીલે ઉત્સવ માટે કોઈ વૈકલ્પિક સ્થળ ફાળવી શકાય કે નહીં તે અંગે અદાલતના માર્ગદર્શનની માંગણી કરી હતી. જો કે ખંડપીથે આ બાબતે કોઈ પણ પ્રકારના નિર્દેશો આપવાનો ઇનકાર કર્યો હતો. અદાલતે સ્પષ્ટ કર્યું કે અરજદાર કાયદા હેઠળ ઉપલબ્ધ અન્ય વિકલ્પો અજમાવવા માટે મુક્ત છે, પરંતુ ગિરગાંવ ચોપાટી પર ઉજવણી માટે કોઈ રાહત આપવામાં આવતી નથી. આ મામલાની વધુ સુનાવણી આ મહિનાના અંતમાં હાથ ધરવામાં આવશે.
(6:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
