News of Monday, 14th September 2026
ઈરાનમાં મિસાઈલ હુમલા બાદ અમેરિકન ફાઈટર પાઈલટનો ચમત્કારિક બચાવ: તૂટેલા હાડકાં સાથે ૭,૦૦૦ ફૂટની ઊંચાઈ ચડી ૫૦ કલાક સુધી દુશ્મન દેશમાં જીવતો રહ્યો!
અમેરિકી ઇતિહાસનું સૌથી મોટું સીક્રેટ રેસ્ક્યૂ ઓપરેશન: ઇરાની સરહદમાં ૪૬ વર્ષ બાદ ૯૦ થી વધુ અમેરિકી સૈનિકો ઉતર્યા, ૨૦ અબજથી વધુનું F-15E જેટ ખાખ થયા બાદ ડ્રોન અને CIA ની મદદથી પાઈલટને ઉગારાયો

વોશિંગ્ટન, તા.૧૪: દુશ્મન દેશની ભૂમિ પર વિમાન ક્રેશ થવું અને તૂટેલા હાડકાં સાથે ૫૦ કલાક સુધી મોત સામે ઝઝૂમીને હેમખેમ બહાર આવવું – કોઈ હોલિવૂડ ફિલ્મની વાર્તાને પણ માત આપે તેવી સત્ય ઘટના ઈરાનમાં ઘટી છે. ઈરાની સરહદમાં મિસાઈલ હુમલાનો ભોગ બનેલા યુએસ આર્મીના F-15E સ્ટ્રાઈક ઈગલ ફાઈટર જેટના ક્રૂ મેમ્બર 'ડ્યૂડ 44 બ્રાવો' (કોડ નેમ) એ ઈરાનના દુર્ગમ પર્વતોમાં ૭,૦૦૦ ફૂટની ઊંચાઈ પર ઈજાગ્રસ્ત અવસ્થામાં ૫૦ કલાક વિતાવીને એક નવો ઈતિહાસ રચી દીધો છે. અમેરિકી સેનાએ આર્મી ઇતિહાસનું સૌથી મોટું અને જોખમી સર્ચ એન્ડ રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડીને આ જવાનને સલામત ઉગારી લીધો છે.
ઘટનાની વિગત મુજબ, ઈરાનના ઇસ્ફહાન શહેરની દક્ષિણમાં આવેલા પર્વતીય વિસ્તાર નજીક ઈરાન પોતાના અત્યંત સંવેદનશીલ પરમાણુ સામગ્રીનો જથ્થો છુપાવી રહ્યું હોવાની બાતમીના આધારે અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ દ્વારા એક મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઈરાની સૈન્ય દ્વારા છોડવામાં આવેલી આશરે $૧૦૦,૦૦૦ (અંદાજે ૮૩ લાખ રૂપિયા) ની ખભા પરથી ચાલતી મિસાઈલે ૩૦ મિલિયન ડોલર (આશરે ૨૫૦ કરોડ રૂપિયા) ની કિંમત ધરાવતા યુએસ F-15E ફાઈટર જેટને નિશાન બનાવ્યું હતું. મિસાઈલ વાગતાં જ વિમાનમાં ધમાકો થયો હતો. ફાઈટર જેટ બચાવવું અશક્ય બનતાં બંને પાઈલટ્સ - 'આલ્ફા' અને 'બ્રાવો' ઈજેક્ટ થઈ ગયા હતા.
ઈજેક્શન દરમિયાન બ્રાવોનું પેરાશૂટ ક્ષતિગ્રસ્ત થઈ જતાં તે ખૂબ જ તીવ્ર ઝડપથી જમીન પર પછડાતો પડ્યો હતો, જેના કારણે તેની પીઠ, હાથ અને ખભાના હાડકાં ભાંગી ગયા હતા. બીજી તરફ આલ્ફા સુરક્ષિત રીતે ઉતરી ગયો હતો અને તેને સેનાએ ૬ જ કલાકમાં શોધી કાઢ્યો હતો. પરંતુ અસહ્ય પીડા અને તૂટેલા હાડકાં સાથે બ્રાવો અંધારામાં દુશ્મનોની નજરથી બચવા માટે ૭,૦૦૦ ફૂટ ઊંચી ખડકાળ પર્વતમાળા પર ચડી ગયો હતો અને એક તિરાડમાં છુપાઈ ગયો હતો. ખોરાક કે પાણી વિના તેણે ઈરાની સરહદમાં બે રાતો વિતાવી હતી.
વોશિંગ્ટનમાં મધ્યરાત્રિએ યુએસ સંરક્ષણ સચિવ પીટ હેગસેથને જાણ કરાતાં જ સૈનિકને જીવિત કે મૃત પાછો લાવવાનો આદેશ છૂટ્યો હતો. આ રેસ્ક્યૂ ઓપરેશન માટે છેલ્લા ૪૬ વર્ષમાં પહેલીવાર ૯૦ થી વધુ અમેરિકી ગ્રાઉન્ડ સૈનિકોને ઈરાની ભૂમિ પર ઉતારવામાં આવ્યા હતા. સીઆઈએ (CIA) એ ઈરાની સેનાને ગુમરાહ કરવા માટે એક અદભુત ડમી ઓપરેશન ચલાવ્યું હતું, જ્યારે યુએસ ડ્રોન અને બોમ્બર્સે પાઈલટના લોકેશનની આસપાસના ઈરાની સૈન્ય પર હુમલા ચાલુ રાખ્યા હતા. અંતે બ્રાવો તેના સિક્રેટ રેડિયોથી સિગ્નલ મોકલવામાં સફળ રહ્યો અને ૫૦ કલાકના હાઈ-ડ્રામા બાદ તેને હેલિકોપ્ટર મારફતે એરલિફ્ટ કરી લેવાયો. આ ચમત્કારિક બચાવ બાદ સીબીએસ '60 મિનિટ્સ' ને આપેલા ઈન્ટરવ્યુમાં બ્રાવોએ કહ્યું કે, "હું ઈરાની ટીવી પર મારી જાતને બંદી તરીકે જોવા નહોતો માગતો, આપણી સૈન્ય તાલીમ જ આપણને આવી વિપરીત પરિસ્થિતિઓ સામે લડવાની તાકાત આપે છે."
(4:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
