<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

મિસિસિપીમાં પાંચ ‘નન્હા વીરો’નો ચમત્કાર: ચાલુ બસે ડ્રાઈવર બેભાન થઈ જતાં વિદ્યાર્થીઓએ સ્ટીયરિંગ સંભાળ્યું, મોતને મ્હાત આપી બચાવ્યા અનેક જીવ

સ્કૂલ બસ ડ્રાઈવરને અચાનક અસ્થમાનો એટેક આવતા બસ થઈ હતી બેકાબૂ; મધ્યમ શાળાના બાળકોએ બ્રેક મારી અને ડ્રાઈવરને દવા આપી જીવતદાન આપ્યું

હેનકોક, તા.30: અમેરિકાના મિસિસિપી રાજ્યમાં એક એવી ઘટના બની છે જેને આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે. એક તરફ જ્યારે જીવલેણ અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા હતી, ત્યારે પાંચ હિંમતવાન વિદ્યાર્થીઓએ પોતાની સૂઝબૂઝથી માત્ર પોતાનો જ નહીં પણ તેમના ડ્રાઈવરનો જીવ પણ બચાવી લીધો છે. આ ઘટનાનું સીસીટીવી ફૂટેજ અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.
ચાલુ બસે ડ્રાઈવર ઢળી પડ્યા
ગુરુવારે સવારે જ્યારે હેનકોક કાઉન્ટી સ્કૂલ ડિસ્ટ્રિક્ટની બસ વિદ્યાર્થીઓને લઈને જઈ રહી હતી, ત્યારે ડ્રાઈવર લેહ ટેલરને અચાનક અસ્થમાનો ગંભીર હુમલો આવ્યો હતો. શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે લેહ ટેલર સ્ટીયરિંગ પર જ ઢળી પડ્યા હતા. બસ ચાલુ હતી અને ડ્રાઈવર વગર ગમે ત્યાં અથડાય તેવી સ્થિતિ નિર્માણ પામી હતી. આ દ્રશ્ય જોઈને બસમાં બેઠેલા બાળકોમાં ગભરાટ ફેલાયો હતો, પરંતુ પાંચ વિદ્યાર્થીઓએ હિંમત હારી નહીં.
વિદ્યાર્થીઓએ સંભાળ્યું ઓપરેશન ‘રેસ્ક્યુ’
એક વિદ્યાર્થીએ તરત જ જોયું કે ડ્રાઈવર બેભાન થઈ ગયા છે, તેણે દોડીને સ્ટીયરિંગ પકડી લીધું જેથી બસ રસ્તા પરથી નીચે ન ઉતરી જાય. બીજા એક છોકરાએ સમયસૂચકતા વાપરીને બ્રેક મારી અને બસને સુરક્ષિત રીતે ઊભી રાખી દીધી. આટલું જ નહીં, જ્યારે અન્ય બાળકો ફોન કરીને મદદ માંગી રહ્યા હતા, ત્યારે એક વિદ્યાર્થીએ ડ્રાઈવરના હાથમાં રહેલી અસ્થમાની દવા (ઇનહેલર) તેમને આપી હતી. આ ત્વરિત સારવાર અને સાવચેતીને કારણે મોટી હોનારત ટળી ગઈ હતી.
શાળામાં વીરોનું સન્માન અને ડ્રાઈવરનો આભાર
આ બહાદુર બાળકો - મેકેન્ઝી ફિન્ચ, જેક્સન કેસનવે, ડારિયસ ક્લાર્ક, કેલેઘ ક્લાર્ક અને ડેસ્ટિની કોર્નેલિયસનું શાળામાં ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. પ્રિન્સિપાલ મેલિસા સોસિયરે જણાવ્યું કે, "આ કટોકટીની સ્થિતિ ભયાનક બની શકી હોત, પણ બાળકોએ જે રીતે ટીમવર્ક બતાવ્યું તેના પર અમને ગર્વ છે." ડ્રાઈવર લેહ ટેલર હવે સ્વસ્થ છે અને તેમણે ભાવુક થઈને કહ્યું કે, "આ બાળકોએ આજે મારો જીવ બચાવ્યો છે, હું તેમની કાયમ ઋણી રહીશ."
સોશિયલ મીડિયા પર લોકો આ બાળકોની પરિપક્વતા અને શાંતિથી પરિસ્થિતિ સંભાળવાની રીતના વખાણ કરી રહ્યા છે.

(5:07 PM IST)