<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

દિલ્હી એઈમ્સના તબીબોનો ચમત્કાર: માત્ર ૪ મહિનાના માસૂમ પર કરી ફેફસાંની અત્યંત જટિલ અને દુર્લભ સર્જરી, નવું જીવન આપી રચ્યો ઇતિહાસ!

ગર્ભાવસ્થા દરમિયાન જ બાળકને બંને ફેફસાંની ગંભીર બીમારી (CPAM) હોવાનું નિદાન થયું હતું; ડોક્ટરોએ આખું ફેફસું કાઢવાને બદલે માત્ર રોગગ્રસ્ત ભાગ દૂર કરી બાળકની શ્વાસ લેવાની ક્ષમતા બચાવી લીધી.

નવી દિલ્હી : મેડિકલ ક્ષેત્રે ભારતના ડૉક્ટરોએ ફરી એકવાર વૈશ્વિક સ્તરે ડંકો વગાડ્યો છે. નવી દિલ્હીની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS) ના બાળરોગ સર્જરી વિભાગના તબીબોએ માત્ર ચાર મહિનાના એક શિશુ પર અત્યંત દુર્લભ અને અતિ જટિલ એવી ‘કીહોલ સર્જરી’ (સેગમેન્ટેક્ટોમી) સફળતાપૂર્વક પાર પાડી છે. આ ચિકિત્સા પદ્ધતિને બાળરોગ સારવારના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરે થયેલી દુર્લભ સર્જરીઓમાંની એક માનવામાં આવી રહી છે. સૌથી મોટી રાહતની વાત એ છે કે આ ગંભીર ઓપરેશનના માત્ર ૪૮ કલાક બાદ જ માસૂમ બાળક સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયું હતું અને તેને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે.

તબીબી અહેવાલો અનુસાર, માતાની ગર્ભાવસ્થા દરમિયાન જ સ્કેનિંગમાં જાણવા મળ્યું હતું કે બાળક 'જન્મજાત પલ્મોનરી એરવે માલફોર્મેશન' (CPAM) નામની અત્યંત દુર્લભ બીમારીથી પીડિત છે. આ રોગમાં બાળકના ફેફસામાં સામાન્ય પેશીઓને બદલે પાણી ભરેલી નકામી કોથળીઓ (સિસ્ટ) બનવા લાગે છે. સામાન્ય રીતે આ બીમારી કોઈ એક જ ફેફસાને નુકસાન પહોંચાડે છે, પરંતુ આ કિસ્સામાં બાળકના બંને ફેફસાં આ ખામીનો ભોગ બન્યા હતા. જો ડોક્ટરોએ પરંપરાગત પદ્ધતિથી આખું ફેફસું અથવા તેનો મોટો ભાગ (લોબ) કાઢી નાખ્યો હોત, તો બાળક પાસે જીવવા માટે પૂરતા શ્વાસ બચ્યા ન હોત. આથી, ડૉક્ટરોએ અત્યંત જોખમી અને નાજુક માર્ગ પસંદ કરીને માત્ર રોગગ્રસ્ત ભાગને જ કાપવાનો નિર્ણય કર્યો.

આ સર્જરી કેટલી જટિલ હતી તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે સર્જિકલ ટીમે બાળકના જમણા ફેફસાના સૌથી ઊંડા ખૂણે આવેલા 'સેગમેન્ટ ૯ અને ૧૦' ને નિશાન બનાવ્યા હતા. ફેફસાંની અંદર ખૂબ જ ઊંડે દટાયેલી અતિ સૂક્ષ્મ રક્તવાહિનીઓ અને વાયુમાર્ગોને નુકસાન પહોંચાડ્યા વિના આ ઓપરેશન કરવાનું હતું. એઈમ્સના પીડિયાટ્રિક સર્જરી વિભાગના વડા ડૉ. સંદીપ અગ્રવાલે જણાવ્યું કે, "આટલા નાના બાળકમાં કીહોલ પદ્ધતિથી આ ઓપરેશન કરવું એ ટેકનિકલ દ્રષ્ટિએ માઉન્ટ એવરેસ્ટ ચઢવા સમાન હતું." આ ઐતિહાસિક ઓપરેશનનું નેતૃત્વ પ્રોફેસર વિશેષ જૈન દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે એનેસ્થેસિયા વિભાગના ડૉ. અભિષેકે એક ખાસ વેન્ટિલેશન ટેકનિક દ્વારા બાળકના એક ફેફસાને ચાલુ રાખીને બીજા ફેફસા પર સર્જરી કરવામાં મદદ કરી હતી.

હાલમાં માત્ર જમણા ફેફસાની સર્જરી પૂર્ણ થઈ છે. બાળકની સ્થિતિ હવે બિલકુલ સ્થિર છે અને ડૉક્ટરો તેને સતત ઓબ્ઝર્વેશનમાં રાખી રહ્યા છે. બાળક થોડું મોટું થાય અને આ સર્જરીના આઘાતમાંથી સંપૂર્ણ બહાર આવી જાય, ત્યારબાદ તેના ડાબા ફેફસાં પર પણ આવી જ બીજી સર્જરી કરવામાં આવશે. એઈમ્સના ડોક્ટરોના આ સફળ પ્રયોગે દેશભરના એવા હજારો માતા-પિતામાં આશાનું નવું કિરણ જગાડ્યું છે જેમના બાળકો જન્મજાત ફેફસાંની બીમારીઓનો સામનો કરી રહ્યા છે.

(7:53 PM IST)