<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

મીરા રોડ સ્ટેબિંગ કાંડ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો ખળભળાટ મચાવતો ઘટસ્ફોટ, ‘જેહાદના નામે હિંદુઓને ટાર્ગેટ કરવાનું હતું કાવતરું’!

સેલ્ફ-રેડિકલાઈઝડ 'લોન વુલ્ફ' એટેક હોવાની આશંકા: અમેરિકાથી પાછા ફરેલા આરોપીએ સિક્યુરિટી ગાર્ડ્સ પાસે પરાણે વંચાવ્યો ‘કલમા’, ATS અને NIA એ તપાસનો ધમધમાટ તેજ કર્યો

મુંબઈ: મુંબઈને અડીને આવેલા મીરા રોડ વિસ્તારમાં બનેલી છરીબાજીની ઘટનાએ સમગ્ર મહારાષ્ટ્રમાં સનસનાટી મચાવી દીધી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ મામલે અત્યંત ગંભીર નિવેદન આપતા જણાવ્યું છે કે, પ્રાથમિક તપાસમાં આ ઘટના 'સેલ્ફ-રેડિકલાઇઝેશન' (જાતે જ કટ્ટરપંથી બનવું) અને જેહાદના નામે હિંદુ સમુદાયને નિશાન બનાવવાનો કિસ્સો હોવાનું જણાય છે. આ મામલાની ગંભીરતા જોતા એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) અને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) સંયુક્ત રીતે તપાસ કરી રહી છે.
અમેરિકાથી પરત ફરેલા આરોપીનું ખતરનાક કૃત્ય
મુખ્યમંત્રી ફડણવીસે વધુ વિગતો આપતા જણાવ્યું કે, આ હુમલાનો મુખ્ય આરોપી ઝૈબ ઝુબેર અંસારી લાંબો સમય અમેરિકામાં રહ્યો હતો અને તાજેતરમાં જ ભારત પરત ફર્યો હતો. તેના ઘરેથી કેટલીક વાંધાજનક સામગ્રી અને પુસ્તકો મળી આવ્યા છે. ફડણવીસે ખાતરી આપી છે કે તપાસ માત્ર આરોપી સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ તેની પાછળ કઈ શક્તિઓ કે નેટવર્ક કામ કરી રહ્યું છે તેની પણ ઊંડી તપાસ કરવામાં આવશે.
કલમા પઢવા માટે દબાણ અને લોહિયાળ હુમલો
ઘટનાની વિગત મુજબ, સોમવારે વહેલી સવારે 4 વાગ્યે મીરા રોડ ઈસ્ટમાં વોકહાર્ટ હોસ્પિટલ પાછળ અસ્મિતા ગ્રાન્ડ મેન્શન પાસે આરોપી અંસારી પહોંચ્યો હતો. ત્યાં ફરજ પર તૈનાત બે સિક્યુરિટી ગાર્ડ્સ, રાજકુમાર મિશ્રા અને સુબ્રતો રમેશ સેન પાસે તે પહેલા મસ્જિદનું સરનામું પૂછવા ગયો હતો. થોડીવાર પછી પરત આવીને તેણે ગાર્ડ્સને તેમનો ધર્મ પૂછ્યો અને હિંસક હુમલો શરૂ કર્યો. આરોપ છે કે અંસારીએ એક ગાર્ડને પરાણે ‘કલમા’ પઢવા કહ્યું હતું અને જ્યારે ગાર્ડ તેમ ન કરી શક્યો, ત્યારે આરોપીએ છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા.
પીડિતોની હાલત ગંભીર પણ સ્થિર
આ લોહિયાળ હુમલામાં બંને સિક્યુરિટી ગાર્ડ્સ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક વોકહાર્ટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, બંનેની હાલત નાજુક છે પરંતુ સ્થિર છે. આ ઘટના બાદ મીરા રોડ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે અને લોકોમાં ફફડાટ ફેલાયો છે. મુખ્યમંત્રીએ આ મામલે કડક હાથે કામ લેવાની અને દોષિતોને છોડવામાં નહીં આવે તેવી કડક ચેતવણી આપી છે.

(6:40 PM IST)