તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 8th September 2026
એફિલ ટાવર વિવાદથી વિદેશ મંત્રાલયે જાળવ્યું અંતર: ભારત-ચીન સરહદ વિવાદ અને પાકિસ્તાનમાં રમતો અંગે આપ્યા મહત્વના સ્પષ્ટિકરણ
પેરિસના BAPS મંદિર ઉદ્ઘાટન પ્રસંગે સર્જાયેલા વિવાદને ખાનગી સંસ્થાનો મામલો ગણાવ્યો: LAC પર લશ્કરી કમાન્ડરોની ફ્લેગ મીટિંગ અને SAF ગેમ્સમાં ભારતની ભાગીદારી પર આપ્યા મોટા નિવેદન

નવી દિલ્હી : ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે તાજેતરમાં યોજાયેલી મહત્વપૂર્ણ પત્રકાર પરિષદમાં અનેક વૈશ્વિક અને સરહદી મુદ્દાઓ પર સ્પષ્ટતા કરી છે. તેમણે પેરિસના પ્રસિદ્ધ એફિલ ટાવર ખાતે સર્જાયેલા વિવાદ, ભારત-ચીન સરહદ (LAC) પર યોજાયેલી મહત્વપૂર્ણ લશ્કરી કમાન્ડર સ્તરની બેઠકો અને વર્ષ ૨૦૨૭ માં પાકિસ્તાનમાં યોજાનારી સાઉથ એશિયન ફેડરેશન (SAF) ગેમ્સમાં ભારતની ભાગીદારી અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
પેરિસમાં BAPS સંગઠન દ્વારા નવનિર્માણ પામેલા સ્વામિનારાયણ મંદિરના ઉદ્ઘાટન અને નગરયાત્રા દરમિયાન એફિલ ટાવરની મુલાકાત વખતે મહિલા સ્ટાફને ચોક્કસ વિસ્તારોમાં પ્રવેશ ન આપવાના અહેવાલો અંગે વિદેશ મંત્રાલયે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે સરકાર આ સમગ્ર બાબતથી વાકેફ છે, પરંતુ એફિલ ટાવર ખાતે બનેલી ચોક્કસ ઘટના એ સંબંધિત સંસ્થાઓ વચ્ચેનો આંતરિક મામલો છે. આથી વિદેશ મંત્રાલયે આ વિવાદ પર કોઈ પણ વિગતવાર ટિપ્પણી કરવાનો ઇનકાર કરીને તેનાથી અંતર જાળવ્યું હતું.
ભારત-ચીન સરહદ (LAC) પર વરિષ્ઠ લશ્કરી અધિકારીઓની ફ્લેગ મીટિંગ
સરહદી સુરક્ષા અંગે માહિતી આપતાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ઓગસ્ટ ૨૦૨૫ અને ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન બંને દેશોના વિશેષ પ્રતિનિધિઓ વચ્ચે બનેલી સર્વસંમતિના આધારે WMCC ની બેઠકો યોજાઈ હતી. આ સંમતિના ભાગરૂપે વરિષ્ઠ લશ્કરી કમાન્ડર સ્તરની પ્રથમ ફ્લેગ મીટિંગ ૬ સપ્ટેમ્બરના રોજ અરુણાચલ પ્રદેશમાં ભારતીય સરહદ 'વાચા' ખાતે અને ૭ સપ્ટેમ્બરના રોજ ચીની સરહદ 'દમાઈ' ખાતે સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. પશ્ચિમી ક્ષેત્ર માટે પણ આવી જ શાંતિપૂર્ણ વ્યવસ્થા કાર્યરત હોવાનું તેમણે ઉમેર્યું હતું.
પાકિસ્તાનમાં ૨૦૨૭ ની સાઉથ એશિયન ફેડરેશન ગેમ્સ અંગે ભારતનું વલણ
વર્ષ ૨૦૨૭ માં પાકિસ્તાન ખાતે યોજાનારી સાઉથ એશિયન ફેડરેશન (SAF) ગેમ્સમાં ભારતની ભાગીદારી અંગે વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે કોઈ પણ આંતરરાષ્ટ્રીય કે બહુપક્ષીય રમતગમત સ્પર્ધામાં ભારતીય ટીમ મોકલવાનો નિર્ણય દેશના રમતગમત મંત્રાલયની પ્રવર્તમાન નીતિઓ અને તત્કાલીન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યોગ્ય સમયે લેવામાં આવશે.
(7:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
