<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

રાજકોટની બી.ટી. સવાણી કિડની હોસ્પિટલની મુલાકાતે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયા : વિવિધ વિભાગોનું નિરીક્ષણ કરી દર્દીઓના ખબરઅંતર પૂછ્યા : જુઓ વિડીયો

૧૦૮ ઈમરજન્સી સેવા ૧૪ એમ્બ્યુલન્સથી શરૂ થઈ આજે ૧૫૦૦ વાહનોના વટવૃક્ષ નેટવર્ક સાથે કાર્યરત હોવાનું મંત્રીએ જણાવ્યું : ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત : ટ્રસ્ટીઓ અને તબીબી ટીમ સાથે બેઠક યોજી સરકારી આરોગ્ય યોજનાઓની સમીક્ષા કરાઈ

રાજકોટ:ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલી બી.ટી. સવાણી કિડની હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે હોસ્પિટલ દ્વારા દર્દીઓને પૂરી પાડવામાં આવતી વિવિધ આરોગ્યલક્ષી સુવિધાઓની ઝીણવટભરી સમીક્ષા કરી હતી.
આરોગ્ય રાજ્યમંત્રીએ હોસ્પિટલ ખાતે ડાયાલિસિસ વિભાગ, રોબોટિક સર્જરી યુનિટ, પુરુષ તથા સ્ત્રીઓ માટેના જનરલ વોર્ડ, ઓપરેશન થિયેટર, આઈ.સી.યુ., કિડની ટ્રાન્સપ્લાન્ટ વિભાગ તેમજ નિર્માણાધીન મલ્ટી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટરનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ઉપલબ્ધ તબીબી સાધનો, દવાનો સ્ટોક અને સારવાર પદ્ધતિ અંગે સંબંધિત અધિકારીઓ તથા તબીબોને જરૂરી સૂચનાઓ આપી હતી. સાથોસાથ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓના સ્વાસ્થ્ય વિશે ખબરઅંતર પૂછીને સંવેદના વ્યક્ત કરી હતી.

ત્યારબાદ હોસ્પિટલના બોર્ડ રૂમ ખાતે મંત્રીની અધ્યક્ષતામાં ટ્રસ્ટીઓ અને તબીબી ટીમ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં જન-આરોગ્યના વિવિધ મુદ્દાઓ, સરકારી આરોગ્ય યોજનાઓનો લાભ છેવાડાના દર્દીઓ સુધી પહોંચાડવા અને ગુણવત્તાયુક્ત કિડની સારવાર ઉપલબ્ધ કરાવવા અંગે ચર્ચા-વિચારણા કરાઈ હતી.

બેઠકમાં મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, દર્દીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને હોસ્પિટલ પરિસરમાં સ્વચ્છતા જળવાય રહે તે માટે સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલોમાં હાઉસકીપિંગ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ દર્દીઓને ડાયાલિસિસ સહિતની મોંઘી સારવાર વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા વ્યક્તિના જન્મથી લઈને સમગ્ર જીવન દરમિયાન જરૂરી તમામ તબીબી સહાય પૂરી પાડવામાં આવે છે, જેના માટે બજેટમાં વિશાળ ભંડોળ ફાળવાય છે.

૧૦૮ સેવા અંગે મંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં ૧૦૮ ઈમરજન્સી સેવાની શરૂઆત માત્ર ૧૪ એમ્બ્યુલન્સથી થઈ હતી, જે આજે વટવૃક્ષ બનીને અંદાજે ૧૫૦૦ જેટલી એમ્બ્યુલન્સના વિશાળ નેટવર્ક સાથે સમગ્ર ગુજરાતમાં કાર્યરત છે. હાલમાં સરેરાશ દર સાડા બાર મિનિટે એક કોલ પ્રાપ્ત કરીને ૧૦૮ ની ટીમ પીડિત સુધી ત્વરિત પહોંચીને સેવા આપે છે. વિદેશ સાથે સરખામણી કરતાં ગુજરાતની આ ઈમરજન્સી રીસપોન્સ સેવા અત્યંત ઝડપી સાબિત થઈ રહી છે.

આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી આર. આર. ફૂલમાળી, આરોગ્ય અધિકારી પી. કે. સિંઘ, કિડની ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન નાનુભાઈ મકવાણા, અગ્રણી વિજયભાઈ ડોબરીયા સહિતના ટ્રસ્ટીઓ, તબીબો અને મેડિકલ સ્ટોરના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.

(9:32 PM IST)