<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th July 2026

કરોડપતિ ઉદ્યોગપતિનું પાપ છાપરે ચડીને પોકાર્યું: પોતાના જ આલીશાન બંગલામાં આગ લગાવી પોલીસને ફોન કર્યો, કાવતરાનો લાઈવ વીડિયો વાયરલ!

ગાઝિયાબાદના રાજનગરમાં લાગેલી ભીષણ આગમાં આવ્યો સનસનીખેજ વળાંક; વીડિયોમાં બિઝનેસમેન કાગળ સળગાવીને જુદા-જુદા રૂમમાં આગ ચાંપતો કેમેરામાં કેદ

ગાઝિયાબા : ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના હાઈ-પ્રોફાઈલ વિસ્તાર રાજનગરમાંથી એક ચોંકાવનારી અને ફિલ્મની પટકથા જેવી સનસનીખેજ ઘટના સામે આવી છે. અહીં ૧ જુલાઈના રોજ એક આલીશાન બંગલામાં લાગેલી ભીષણ આગના મામલામાં હવે એક એવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેને જોઈને પોલીસ અને ફાયર બ્રિગેડના અધિકારીઓ પણ દંગ રહી ગયા છે. આ ઘટનામાં નવો વળાંક એ આવ્યો છે કે, કોઈ અકસ્માતને કારણે નહીં પરંતુ ઘરના માલિક અને કરોડપતિ ઉદ્યોગપતિએ પોતે જ પોતાના આખા ઘરમાં આગ લગાવી હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે.

શું હતી સમગ્ર ઘટના?

ગઈ ૧ જુલાઈના રોજ રાજનગર સ્થિત એક બંગલામાં ગ્રાઉન્ડ ફ્લોર અને પ્રથમ માળે ભયાનક આગ ફાટી નીકળી હતી. આગ એટલી ભીષણ હતી કે ગ્રાઉન્ડ ફ્લોર પર રાખેલો કરોડોનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો અને આખું ઘર કાળા ધુમાડાથી ભરાઈ ગયું હતું. માહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને ભારે જહેમત બાદ સીડીઓ અને હોઝ પાઈપની મદદથી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટના બાદ ઉદ્યોગપતિ મુકેશ ગુપ્તાએ પોતે પોલીસને ફોન કરીને આ અંગે જાણ કરી હતી.

સીસીટીવી ફૂટેજે ખોલી દીધી પોલ

શરૂઆતમાં આ ઘટના શોર્ટ સર્કિટ અથવા અકસ્માત હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક સીસીટીવી વીડિયોએ સમગ્ર રહસ્ય પરથી પડદો હટાવી દીધો છે. આ વીડિયોમાં ઘરનો માલિક મુકેશ ગુપ્તા પોતે હાથમાં કાગળના ટુકડા સળગાવીને ઘરના અલગ-અલગ હિસ્સામાં અને ફર્નિચર પાસે આગ લગાવતો સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ ભારે હોબાળો મચી ગયો છે.

પોલીસ સ્ટેશને પહોંચ્યો મામલો: વીડિયોની તપાસ શરૂ

આ ચોંકાવનારો પુરાવો સામે આવ્યા બાદ, ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક કવિ નગર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર રીતે ફરિયાદ નોંધીને આ બાબતની જાણ કરી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, વાયરલ થઈ રહેલા આ વીડિયોની ફોરેન્સિક ચકાસણી કરવામાં આવશે અને ઘરના માલિક મુકેશ ગુપ્તાની કડક પૂછપરછ કરવામાં આવશે. જો વીડિયો સંપૂર્ણપણે સાચો સાબિત થશે, તો ઉદ્યોગપતિ સામે છેતરપિંડી અને ગુનાહિત કાવતરા હેઠળ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. પ્રાથમિક અંદાજ મુજબ, ઇન્સ્યોરન્સ (વીમો) પાસ કરાવવા માટે અથવા કોઈ અંગત અદાવતમાં આ કૃત્ય આચરવામાં આવ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે.

(10:15 PM IST)