તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th September 2026
મધ્ય પૂર્વમાં ભડકો: સાઉદી પ્રિન્સે ‘પ્લીઝ હેલ્પ અસ’ કહીને હૂથીઓ પર હુમલા માટે ટ્રમ્પ સમક્ષ બે વાર વિનંતી કરી, પણ યુએસ રાષ્ટ્રપતિએ સ્પષ્ટ ઇનકાર કર્યો!
ઈરાન સમર્થિત હૂથી બળવાખોરોએ બાબ અલ-મંડેબ પર કબજો વટાવતા તેલના ભાવ ભડકે બળ્યા; ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ $૧૧૬ પહોંચતા વૈશ્વિક અર્થતંત્ર પર મોટું સંકટ.

વોશિંગ્ટન, તા.૧૧: મધ્ય પૂર્વમાં ભૌગોલિક-રાજકીય તણાવ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. ઈરાન સમર્થિત હૂથી બળવાખોરોએ લાલ સમુદ્રના અત્યંત વ્યૂહાત્મક કિનારે આવેલા વાણિજ્યિક શહેર મોચા પર કબજો કરી લીધા બાદ હવે બાબ અલ-મંડેબ સામુદ્રધુની (Strait) તરફ આગળ વધી રહ્યા છે. સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (MBS) માટે આ પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે, કારણ કે હૂથીઓ તરફથી સતત મિસાઇલ અને ડ્રોન હુમલાઓ થઈ રહ્યા છે. પરિસ્થિતિ વણસતી જોઈને સાઉદી પ્રિન્સે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને બે વાર ફોન કરીને હૂથીઓ પર સીધો લશ્કરી હુમલો કરવાની આજીજી કરી હતી, પરંતુ ટ્રમ્પે આ વિનંતીને ફગાવી દીધી છે.
અમેરિકી અધિકારીઓ અને વૈશ્વિક અહેવાલો મુજબ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા હાલમાં યમનમાં સીધો લશ્કરી હસ્તક્ષેપ કરવા માંગતું નથી. યુએસ વહીવટીતંત્ર માને છે કે આ સંઘર્ષમાં સીધા ઝંપલાવવાથી સમગ્ર ખાડી દેશોમાં મોટું યુદ્ધ ફાટી નીકળશે, જેનાથી સ્થિતિ વધુ કાબૂ બહાર જઈ શકે છે. જોકે, અમેરિકાએ સાઉદી અરેબિયાને રાજકીય અને અન્ય મદદ આપવાની ખાતરી આપી છે. સાઉદી સાથે વ્યૂહાત્મક સંકલન સાધવા માટે યુએસ સેન્ટ્રલ કમાન્ડના વડા એડમિરલ બ્રેડ કૂપર પોતે રિયાધ પહોંચી ગયા છે.
બીજી તરફ, લાલ સમુદ્રમાં વધી રહેલી હિંસા અને સાઉદી અરેબિયાના તેલ નિકાસ માર્ગો પર તોળાતા ખતરાને કારણે વૈશ્વિક બજારમાં તેલના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. ગુરુવારે જ ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ ૧૧૬ ડોલરે પહોંચી ગઈ હતી. ઈરાન દ્વારા હોર્મુઝ સામુદ્રધુનીમાં અગાઉથી જ સર્જાયેલા અવરોધ અને હવે હૂથીઓ દ્વારા બાબ અલ-મંડેબ પર દબાણ લાવવાની વ્યૂહરચનાએ અમેરિકા અને તેના મિત્ર રાષ્ટ્રો માટે નવો માથાનો દુખાવો ઊભો કર્યો છે. અગાઉ પોતાની રીતે હૂથીઓને પહોંચી વળવાનો દાવો કરતું સાઉદી અરેબિયા હવે અમેરિકી સૈન્ય મદદ માટે વિનંતીઓ કરી રહ્યું છે, જે ક્ષેત્રમાં બદલાતા શક્તિ સંતુલનનો પુરાવો આપે છે.
(5:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
