News of Friday, 13th November 2026
માઈક્રોસોફટ આઉટેજથી હવાઈ સેવાઓ ઠપ્પઃ ૩ ફલાઇટસ રદ : ૨ મોડી પડી
દિલ્હીથી મુંબઈ, પુણે અને લેહ જતા મુસાફરો રઝળી પડયાઃ એર ઈન્ડિયા અને અકાસા એર સહિત દિલ્હી એરપોર્ટે મુસાફરો માટે જારી કરી તાત્કાલિક એડવાઈઝરી : ઈન્ડિગોની ઈમેઇલ સેવાઓને અસરઃ ટેકનિકલ ખામી અને નાણાકીય સંકટનો બેવડો મારઃ કામગીરી ખોરવાતા અફડાતફડી મચી

નવી દિલ્હી, તા.૧૩: વૈશ્વિક સ્તરે સર્જાયેલા માઈક્રોસોફ્ટ સર્વિસ આઉટેજ (ટેકનિકલ ખામી) ની સીધી અસર હવે ભારતની હવાઈ સેવાઓ પર દેખાવા લાગી છે, જેના કારણે આજે સવારથી જ એરપોર્ટ પર મુસાફરોમાં ભારે અફરાતફરી જોવા મળી હતી. આ ટેકનિકલ સમસ્યાને પગલે બજેટ એરલાઈન સ્પાઈસજેટની કામગીરી સૌથી વધુ ખોરવાઈ છે અને કંપનીએ દિલ્હીથી પુણે, લેહ તેમજ મુંબઈ જતી કુલ ત્રણ ફ્લાઇટ્સ અચાનક રદ કરવાની ફરજ પડી છે. આ ઉપરાંત, દિલ્હીથી દરભંગા અને મુંબઈ જતી અન્ય બે ફ્લાઇટ્સ પણ કલાકો સુધી મોડી પડતા મુસાફરોની હાલાકીમાં મોટો વધારો થયો છે.
બીજી તરફ, દેશની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગો પર પણ આ વૈશ્વિક આઉટેજની અસર વર્તાઈ છે, જેમાં તેમની ઈમેઇલ સપોર્ટ સિસ્ટમ સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. ઈન્ડિગોએ સોશિયલ મીડિયા પર સત્તાવાર નિવેદન જારી કરીને મુસાફરોને તાત્કાલિક મદદ માટે વેબસાઇટ કે મોબાઇલ એપ પરના 6E સ્કાય ચેટબોટનો ઉપયોગ કરવા અપીલ કરી છે. જ્યારે એર ઈન્ડિયાએ સાવચેતીના ભાગરૂપે પોતાના ઈમેઇલ્સને અસ્થાયી રૂપે ફરીથી રૂટ કરીને ૨૪ કલાકમાં ગ્રાહક સેવા પૂરી પાડવાની ખાતરી આપી છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા દિલ્હી એરપોર્ટ અને અકાસા એરે પણ મુસાફરોને ઘરેથી નીકળતા પહેલા પોતાની ફ્લાઇટનું લેટેસ્ટ સ્ટેટસ ચકાસી લેવાની ખાસ સલાહ આપી છે.
ઉલ્લેખનીય છે કે સ્પાઈસજેટ માટે આ ટેકનિકલ ખામી પડતા પર પાટુ સમાન સાબિત થઈ છે, કારણ કે એરલાઈન પહેલેથી જ દુબઈમાં ગંભીર નાણાકીય કટોકટીનો સામનો કરી રહી છે. ૧૪ મિલિયન દિરહામ (આશરે રૂ.૩૫.૮૫ કરોડ) ની બાકી ચૂકવણી ન થવાને કારણે દુબઈ એરપોર્ટ્સે ૧૨ નવેમ્બરથી સ્પાઈસજેટની ચેક-ઇન સેવાઓ સ્થગિત કરી દીધી છે, જેના લીધે દુબઈથી ભારત આવતી ચાર ફ્લાઇટ્સ રદ થઈ છે. આ મામલે દુબઈ સિવિલ એવિએશન ઓથોરિટીએ કડક વલણ અપનાવી સ્પાઈસજેટના સ્ટેશન મેનેજરને તેડું મોકલ્યું છે અને અસરગ્રસ્ત મુસાફરો માટે તાત્કાલિક વૈકલ્પિક ફ્લાઇટ, હોટેલ રોકાણ અને પરિવહનની વ્યવસ્થા કરવાનો આદેશ આપ્યો છે. (રર.૧૯)
માઈક્રોસોફટની કઈ સેવાઓ પ્રભાવિત થઈ?
નવી દિલ્હી, તા.૧૩: વિશ્વભરમાં ઘણી માઈક્રોસોફ્ટ ઓનલાઈન સેવાઓ એકસાથે ડાઉન થઈ ગઈ હતી. કંપનીના જણાવ્યા મુજબ, રોજિંદા કામકાજ સંબંધિત ઘણી સેવાઓ પ્રભાવિત થઈ હતી. આમાં શામેલ છેઃ માઈક્રોસોફ્ટ આઉટલુક (ઈમેલ) માઈક્રોસોફ્ટ ટીમ્સ (ઓનલાઈન મીટિંગ્સ અને ચેટ) શેરપોઈન્ટ ઓનલાઈન (ફાઈલ શેરિંગ પ્લેટફોર્મ) માઈક્રોસોફ્ટ કોપાયલટ ૩૬૫ (એઆઈ ટૂલ) માઈક્રોસોફ્ટ ડિફેન્ડર (સાયબરસિકયોરિટી સર્વિસ) માઈક્રોસોફ્ટ પ્લાનર અને એક્સચેન્જ ઓનલાઈન. (રર
(2:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
