<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

માઈક્રોસોફ્ટની સેવાઓ ખોરવાઈ જવાની ઘટના બાદ કંપની એક્શન મોડમાં : કોર સર્વિસ હેલ્થ માટે 'કોડ રેડ' જાહેર

માઈક્રોસોફ્ટ ૩૬૫ કોરના પ્રેસિડેન્ટ જેસન હેન્ડરસને કર્મચારીઓને લખેલા મેમોમાં આ ઘટનાને એક્સચેન્જ ઓનલાઈનના ઈતિહાસની 'સૌથી નુકસાનકારક ઘટના' ગણાવી

દુનિયાભરમાં માઈક્રોસોફ્ટની સેવાઓ ખોરવાઈ જવાની ઘટના બાદ કંપનીએ હવે આકરા પગલાં લેવાનું શરૂ કર્યું છે. 12 નવેમ્બરના રોજ આઉટલુક સહિતની મુખ્ય સેવાઓ 24 કલાક સુધી ઠપ રહેતા માઈક્રોસોફ્ટે તેની 'માઈક્રોસોફ્ટ 365' (એમ365) કોર સર્વિસ હેલ્થ માટે 'કોડ રેડ' (અત્યંત ગંભીર સ્થિતિ) જાહેર કર્યું છે. કંપનીના આંતરિક મેમોમાંથી આ ચોંકાવનારી વિગતો સામે આવી છે.

 

આ ટેકનિકલ ખામીને કારણે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન સહિતના અનેક દેશોમાં ગ્રાહકો અટવાઈ પડ્યા હતા. ટ્રેડિંગ કંપનીઓના કામકાજમાં વિલંબ થયો હતો અને એરલાઈન્સના સંચાર માધ્યમો (કોમ્યુનિકેશન) પણ ખોરવાયા હતા. માઈક્રોસોફ્ટે સ્પષ્ટ કર્યું છે કે આ કોઈ સાયબર હુમલો કે એઆઈ એજન્ટ્સની ભૂલ નહોતી, પરંતુ જુલાઈ મહિનામાં વિન્ડોઝમાં રહી ગયેલી એક ટેકનિકલ ખામીને કારણે આ સમસ્યા સર્જાઈ હતી. આ ઘટના બદલ કંપનીના સીઈઓ સત્યા નડેલાએ જાહેરમાં માફી પણ માગી હતી

 

આ આઉટેજની અસર એક્સચેન્જ ઓનલાઈન, આઉટલુક, ટીમ્સ અને કો-પાયલોટ એઆઈ આસિસ્ટન્ટ પર પડી હતી. માઈક્રોસોફ્ટ ૩૬૫ કોરના પ્રેસિડેન્ટ જેસન હેન્ડરસને કર્મચારીઓને લખેલા મેમોમાં આ ઘટનાને એક્સચેન્જ ઓનલાઈનના ઈતિહાસની 'સૌથી નુકસાનકારક ઘટના' ગણાવી છે. તેમણે લખ્યું છે કે, "કોડ રેડનો અર્થ એ છે કે અમારી ટીમ માટે આ કામ અત્યારે સૌથી પ્રથમ પ્રાથમિકતા છે."

બીજી તરફ, કોર્પોરેટ વાઈસ પ્રેસિડેન્ટ અમાન્ડા સિલ્વરે જણાવ્યું હતું કે સમસ્યા ઉકેલતી વખતે એન્જિનિયરો જાણે 'યુદ્ધના ધુમ્મસ' (અસ્પષ્ટ સ્થિતિ) વચ્ચે કામ કરી રહ્યા હતા. આ દરમિયાન 11 ટીમ્સ ચેટમાં 11,000થી વધુ મેસેજની આપ-લે થઈ હતી, પરંતુ અલગ-અલગ સિસ્ટમમાં ડેટા વિખરાયેલો હોવાથી નિર્ણય લેવામાં મુશ્કેલી પડી હતી. કંપનીના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ ચાર્લ્સ લામાનાએ તો ત્યાં સુધી કહ્યું કે આ એક જ ઘટનામાં જાણે 10 વર્ષ જેટલી ખામીઓ એકસાથે સામે આવી ગઈ હતી.

 

કોડ રેડ હેઠળ માઈક્રોસોફ્ટે કામગીરી સુધારવા માટે પાંચ મુખ્ય ક્ષેત્રો નક્કી કર્યા છે:

•    એઆઈ એજન્ટ્સની મદદ: ભવિષ્યમાં આવી વૈશ્વિક ખામીઓ માત્ર 1 કલાકમાં ઉકેલી શકાય તે માટે એન્જિનિયરોને સિસ્ટમ ડેટા તપાસવામાં મદદ કરવા એઆઈ એજન્ટ્સનો ઉપયોગ કરાશે.
•    ઝડપી સોફ્ટવેર અપડેટ: અગાઉ અમુક અર્જન્ટ ફિક્સ દુનિયાભરના યુઝર્સ સુધી પહોંચવામાં 5થી 6 દિવસ લાગતા હતા, જેને ઘટાડીને હવે 1 કલાકની અંદર સુરક્ષિત રીતે લાગુ કરવાનો લક્ષ્યાંક રખાયો છે.
•    દૈનિક સમીક્ષા: સિસ્ટમ પરનું ભારણ (ટ્રાફિક) અલગ-અલગ વિસ્તારોમાં વહેંચવા અને સર્વિસ રિકવરી ટૂલ્સ સુધારવા માટે હવે દરરોજ અને સાપ્તાહિક ધોરણે ઉચ્ચ સ્તરીય બેઠકો યોજાશે.

માઈક્રોસોફ્ટના પ્રવક્તાએ જણાવ્યું છે કે કંપની આ ઘટનામાંથી બોધપાઠ લઈને ભવિષ્યમાં આવી મુશ્કેલી ન સર્જાય તે માટે સિસ્ટમને વધુ મજબૂત બનાવી રહી છે.

(2:02 PM IST)