તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 3rd May 2026
મેક્સિકો સિટી પાતાળમાં ગરકાવ થશે! : વર્ષે ૨૫ સેમીના દરે જમીન ધસી રહી હોવાનું સેટેલાઇટ તસવીરોમાં ખુલાસો
NASA અને ISROના સંયુક્ત પ્રોજેક્ટ ‘NISAR’ દ્વારા ભયાનક સત્ય બહાર આવ્યું : ૧૦૦ વર્ષમાં શહેર ૧૨ મીટર નીચે ઉતરી ગયું, અનેક ઐતિહાસિક ઇમારતો નમી પડી

મેક્સિકો સિટી:દુનિયાના સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાંનું એક એવું મેક્સિકો સિટી અત્યંત ઝડપથી જમીનમાં ધસી રહ્યું છે. તાજેતરમાં નાસા (NASA) દ્વારા જાહેર કરવામાં આવેલી નવી સેટેલાઇટ તસવીરો અને ડેટા મુજબ, આ શહેર દર વર્ષે અંદાજે ૨૫ સેમી (૧૦ ઇંચ) જેટલું નીચે ઉતરી રહ્યું છે. આ ઘટાડો એટલો ઝડપી છે કે તેને અવકાશમાંથી પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે.
પ્રાચીન તળાવના બેડ પર વસેલું છે શહેર
આશરે ૨.૨ કરોડની વસ્તી ધરાવતું મેક્સિકો સિટી પ્રાચીન તળાવના તળિયે વસેલું છે. શહેરના વિકાસ અને વસ્તીની જરૂરિયાતો પૂરી કરવા માટે છેલ્લા એક સદીથી જમીનમાંથી બેફામ રીતે પાણી (ગ્રાઉન્ડ વોટર) ખેંચવામાં આવી રહ્યું છે. પાણીના સ્તરમાં ધરખમ ઘટાડો થવાને કારણે જમીનની અંદરના સ્તરો સંકોચાઈ રહ્યા છે, પરિણામે સમગ્ર શહેર નીચે બેસી રહ્યું છે. નેશનલ ઓટોનોમસ યુનિવર્સિટી ઓફ મેક્સિકોના સંશોધક એનરિક કાબ્રાલના જણાવ્યા મુજબ, છેલ્લા ૧૦૦ વર્ષમાં આ શહેર ૧૨ મીટર કરતા પણ વધુ નીચે ધસી ગયું છે.
ઐતિહાસિક ઇમારતો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ખતરો
જમીન ધસી પડવાને કારણે શહેરની વર્ષો જૂની ઇમારતો અને સ્મારકો પર ગંભીર અસર પડી રહી છે. ૧૫૭૩માં નિર્મિત ‘મેટ્રોપોલિટન કેથેડ્રલ’ જેવી ઐતિહાસિક ઇમારતો હવે સ્પષ્ટપણે એક તરફ નમેલી દેખાય છે. આ ઉપરાંત શહેરની મેટ્રો ટ્રેન, ડ્રેનેજ સિસ્ટમ, પીવાના પાણીની પાઇપલાઇનો અને રસ્તાઓ જેવા મહત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન થઈ રહ્યું છે. શહેરના એરપોર્ટ અને પ્રખ્યાત ‘એન્જલ ઓફ ઇન્ડિપેન્ડન્સ’ સ્મારક પાસે જમીન દર મહિને ૨ સેમીના દરે ધસી રહી છે.
ભારત અને અમેરિકાની ટેકનોલોજીએ પોલ ખોલી
આ ચોંકાવનારો ખુલાસો NASA અને ભારતની અંતરિક્ષ સંસ્થા ISRO દ્વારા સંયુક્ત રીતે લોન્ચ કરાયેલા ‘NISAR’ (Nisar Satellite) દ્વારા થયો છે. ઓક્ટોબર ૨૦૨૫ થી જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન લેવાયેલા માપદંડોના આધારે વૈજ્ઞાનિક પોલ રોસેને જણાવ્યું હતું કે, આ ટેકનોલોજી આપણને પૃથ્વીની સપાટીની નીચે શું થઈ રહ્યું છે તેની સચોટ માહિતી આપે છે. ભવિષ્યમાં આ ડેટા દ્વારા કુદરતી આપત્તિઓ, ક્લાયમેટ ચેન્જ અને ધરતીકંપની ફોલ્ટ લાઈનો પર પણ નજર રાખી શકાશે.
દાયકાઓ સુધી સરકારે આ સમસ્યાની અવગણના કરી હતી, પરંતુ હવે પાણીની કટોકટી અને જમીન ધસવાની ગંભીરતાને જોતા વધુ સંશોધન માટે ભંડોળ ફાળવવામાં આવી રહ્યું છે. મેક્સિકો સિટી માટે આ સ્થિતિ આવનારા સમયમાં મોટી જળ કટોકટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તબાહીના એંધાણ આપી રહી છે.
(8:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
