News of Saturday, 25th July 2026
#MeToo થી NEET સુધી: જન આંદોલનની તાકાત સામે ઝૂકી મોદી સરકાર : એમ.જે. અકબર બાદ ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપનારા બીજા કેન્દ્રીય મંત્રી બન્યા
દિલ્હીના જંતર-મંતર ખાતે વિદ્યાર્થીઓ અને યુવાનોના ભારે વિરોધ પ્રદર્શન તેમજ ભૂખ હડતાળના વધતા દબાણ સામે ઝૂકીને દેશના શિક્ષણ મંત્રીએ આપવું પડ્યું રાજીનામું : 12 વર્ષના શાસનમાં જનતાના રોષને કારણે પદ ગુમાવનાર મંત્રીઓની યાદીમાં નવું નામ ઉમેરાયું

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના છેલ્લા 12 વર્ષના શાસનમાં ભાજપ અને સાથી પક્ષોના અનેક નેતાઓએ કેબિનેટમાંથી રાજીનામા આપ્યા છે, પરંતુ જન આંદોલન અને તીવ્ર જાહેર વિરોધના કારણે રાજીનામું આપવું પડ્યું હોય તેવા ધર્મેન્દ્ર પ્રધાન બીજા કેન્દ્રીય મંત્રી બન્યા છે. NEET-UG 2026 પરીક્ષામાં પેપર લીકના ગંભીર આરોપો અને દેશભરમાં વધી રહેલા આક્રોશ વચ્ચે જંતર-મંતર પર ચાલી રહેલા મોટા વિરોધ પ્રદર્શનોએ સરકાર પર અભૂતપૂર્વ દબાણ ઊભું કર્યું હતું. અંતે યુવાનોના ભવિષ્ય અને નૈતિક જવાબદારીનો હવાલો આપીને શિક્ષણ મંત્રીએ પોતાનું રાજીનામું વડાપ્રધાનને સોંપી દીધું છે.
આ પહેલાં વર્ષ 2018 માં ભારતમાં જ્યારે 'MeToo' ચળવળ ચરમસીમા પર હતી, ત્યારે પૂર્વ વિદેશ રાજ્યમંત્રી એમ.જે. અકબરને આ જ રીતે જાહેર આક્રોશ અને નૈતિક દબાણ હેઠળ રાજીનામું આપવાની ફરજ પડી હતી. તે સમયે લગભગ 20 મહિલા પત્રકારોએ એમ.જે. અકબર પર જાતીય સતામણીના ગંભીર આરોપો લગાવ્યા હતા. જોકે, નીતિગત મતભેદો કે વહીવટી ફેરબદલને કારણે રવિશંકર પ્રસાદ, ડો. હર્ષવર્ધન અને હરસિમરત કૌર બાદલ જેવા નેતાઓએ પણ પદ છોડ્યા હતા, પરંતુ સીધા જન આંદોલન અને યુવા શક્તિના દબાણ સામે આત્મસમર્પણ કરવાનો આ બીજો મોટો કિસ્સો છે.
NEET પેપર લીક મુદ્દે વિદ્યાર્થી આંદોલન, સોનમ વાંગચુકની ભૂખ હડતાળ અને યુવા નેતા અભિજીત દીપકની આગેવાની હેઠળ ઊભી થયેલી વિરોધની લહેરે દેશના રાજકારણમાં નવો વળાંક આપ્યો છે. આ સફળતાને દેશની નવી પેઢી (Gen-Z) ની મોટી જીત તરીકે જોવામાં આવી રહી છે. ધર્મેન્દ્ર પ્રધાનના નિર્ગમન બાદ હવે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયની જવાબદારી કોને સોંપવામાં આવશે અને સરકાર પરીક્ષા પ્રણાલીમાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા કેવા કડક પગલાં ભરે છે તેના પર સમગ્ર દેશની નજર ટકેલી છે.
(6:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
