તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd July 2026
હવામાન નિષ્ણાત આથ્રેયા શેટ્ટીની ગુજરાત માટે ૨૪ થી ૨૬ જુલાઈની ગંભીર આગાહી : લો પ્રેશર એરિયા ઉત્તર-મધ્ય ગુજરાત તરફ ફંટાતાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી
અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા અને ઉત્તર ગુજરાતના ૧૧ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર : સુરત, વલસાડ સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ : દમણ અને દાદરા નગર હવેલીમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર

મુંબઈ: ગુજરાતમાં ચોમાસાની સ્થિતિ અંગે હવામાન નિષ્ણાત આત્રેય શેરી દ્વારા ૨૪ થી ૨૬ જુલાઈ સુધીની તાજી આગાહી જાહેર કરવામાં આવી છે. ઉત્તર-મધ્ય ગુજરાત પર સક્રિય થયેલું લો પ્રેશર એરિયા (LPA) પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું હોવાથી અત્યંત ભારે વરસાદનો પટ્ટો પણ ઉત્તર તરફ ખસી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા તેમજ જનજીવન પ્રભાવિત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
૧૧ જિલ્લાઓ માટે 'રેડ વોર્નિંગ' - ૨૩.૬ થી ૩૧.૫ ઇંચ સુધીના કુલ વરસાદની ભીતિ:
હવામાન નિષ્ણાત આથ્રેયા શેટ્ટી દ્વારા શુક્રવાર અને શનિવાર માટે રાજ્યના ૧૧ જિલ્લાઓ માટે રેડ એલર્ટ (Red Warning) જાહેર કરવામાં આવ્યું છે. જેમાં દાહોદ, મહીસાગર, પંચમહાલ, અરવલ્લી, ખેડા, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ અને મહેસાણાનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં ખૂબ જ ભારેથી અત્યંત ભારે વરસાદ થવાની સંભાવના છે, જેના કારણે નીચાણવાળા અને સંવેદનશીલ વિસ્તારોમાં પૂર તથા પાણી ભરાવાની મોટી સમસ્યા સર્જાઈ શકે છે. આ સમયગાળા દરમિયાન કુલ વરસાદનો સંચય (Total Accumulation) ૬૦૦ થી ૮૦૦ મિલીમીટર એટલે કે આશરે ૨૩.૬ ઇંચ થી ૩૧.૫ ઇંચ સુધી પહોંચી શકે છે.
૬ જિલ્લાઓ માટે 'ઓરેન્જ વોર્નિંગ' - ૯.૮ થી ૧૫.૭ ઇંચ વરસાદની શક્યતા:
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અન્ય વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ (Amber/Orange Warning) આપવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર, પાટણ, થરાદ, મોરબી, રાજકોટ અને પૂર્વ કચ્છમાં શુક્રવાર અને શનિવાર દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. સ્થાનિક સ્તરે પાણી ભરાવા અને વાહનવ્યવહાર ખોરવાવાની આશંકા વચ્ચે આ વિસ્તારોમાં કુલ વરસાદનો સંચય ૨૫૦ થી ૪૦૦ મિલીમીટર એટલે કે આશરે ૯.૮ ઇંચ થી ૧૫.૭ ઇંચ સુધી નોંધાઈ શકે છે.
દક્ષિણ ગુજરાતમાં શનિવારથી રાહત મળશે - બાકીના સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવો વરસાદ:
દક્ષિણ અને મધ્ય ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાઓ માટે શુક્રવાર માટે ઓરેન્જ એલર્ટ જારી રાખવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં શુક્રવારે પણ ભારે વરસાદી ઝાપટાં ચાલુ રહેશે, પરંતુ શનિવાર સુધીમાં વરસાદનું જોર નોંધપાત્ર રીતે ઘટવાની શક્યતા છે. આ સિવાય સૌરાષ્ટ્ર અને કચ્છના બાકીના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડે તેવી સંભાવના છે.
દમણ અને દાદરા નગર હવેલીમાં ૨૪ કલાકમાં રેકોર્ડબ્રેક વરસાદ:
બીજી તરફ, ૨૩ જુલાઈના રોજ દમણ અને દાદરા નગર હવેલીમાં ૨૪ કલાક દરમિયાન અપવાદરૂપ અને રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો છે.
સિલવાસા: ૭૪૦ મિલીમીટર (આશરે ૨૯.૧ ઇંચ)
ખાનવેલ: ૬૬૧ મિલીમીટર (આશરે ૨૬.૦ ઇંચ)
દમણ: ૬૩૦ મિલીમીટર (આશરે ૨૪.૮ ઇંચ)
આ ધોધમાર વરસાદને કારણે સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે.
(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
