News of Tuesday, 21st July 2026
હવામાન નિષ્ણાત આથ્રેયા શેટ્ટીની મોટી આગાહી : ૨૨ થી ૨૪ જુલાઈ દરમિયાન ગુજરાત અને મહારાષ્ટ્રમાં મેઘરાજા મુશળધાર બેટિંગ કરશે : દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ સાથે ફ્લેશ ફ્લડ અને વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાવાની ભારે શક્યતા
પશ્ચિમ મધ્ય પ્રદેશ પર સર્જાનારું લો પ્રેશર એરિયા ગુજરાત તરફ આગળ વધવાની સાથે જ મોન્સૂન સર્જ સક્રિય થતાં સુરત, વલસાડ, નવસારી, ભરૂચ, તાપી, ડાંગ અને દમણમાં ૧૬ થી ૨૪ ઇંચ વરસાદ ખાબકી શકે છે : અમદાવાદ, વડોદરા અને ગાંધીનગર સહિતના વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર

મુંબઈ: હવામાન નિષ્ણાત આથ્રેયા શેટ્ટી દ્વારા આગામી ૨૨ થી ૨૪ જુલાઈ દરમિયાન ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા માટે વરસાદની ગંભીર આગાહી કરવામાં આવી છે. પશ્ચિમ મધ્ય પ્રદેશ પર સર્જાનારું લો પ્રેશર એરિયા (LPA) પશ્ચિમ તરફ ગતિ કરીને પૂર્વ અને મધ્ય ગુજરાત તરફ આગળ વધશે. આ સિસ્ટમની સાથે ચોમાસુ સર્જ વધુ મજબૂત બનતાં રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાત માટે બુધવાર અને ગુરુવાર માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરા અને નગર હવેલી, ડાંગ, તાપી અને ભરૂચ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. આ ત્રણ દિવસ દરમિયાન કુલ ૧૬ થી ૨૪ ઇંચ જેટલો ભયાનક વરસાદ ખાબકવાની શક્યતા છે, જેના કારણે પૂરની સ્થિતિ સર્જાવાની અને જનજીવન અસ્તવ્યસ્ત થવાની ભીતિ છે.
આ ઉપરાંત નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, આણંદ, પંચમહાલ, ખેડા, મહિસાગર, અરવલ્લી, અમદાવાદ અને ગાંધીનગર માટે ગુરુવાર અને શુક્રવાર દરમિયાન ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ૮ થી ૧૨ ઇંચ વરસાદ સાથે મુશળધાર વરસાદ આવી શકે છે, જેનાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના બાકીના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડશે, જોકે વીકેન્ડ નજીક આવતાં વરસાદની તીવ્રતા વધશે.
મહારાષ્ટ્ર અને મુંબઈ રીજન માટે પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. મુંબઈ, ઠાણે, નવી મુંબઈ, રાયગઢ અને પાલઘર માટે બુધવારે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જ્યાં ૮ થી ૧૨ ઇંચ વરસાદ પડી શકે છે અને કલાકના ૪૦ થી ૬૦ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. પાલઘર, શાહપુર અને નાસિક ઘાટ વિસ્તાર માટે બુધવારે બપોરે ૧૨ વાગ્યાથી ગુરુવારે બપોરે ૩ વાગ્યા સુધી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં ૧૨ થી ૧૬ ઇંચ અને છૂટાછવાયા સ્થળોએ ૨૦ ઇંચ સુધીનો ભારે વરસાદ વરસી શકે છે.
આ વરસાદી સ્પેલથી મુંબઈને પાણી પૂરું પાડતાં જળાશયોમાં પાણીની આવક વધશે. તાનસા ડેમ ઓવરફ્લો થઈ શકે, જ્યારે ભાતસા અને મોદક સાગરમાં ૮ થી ૧૨ ટકા, અપર વૈતરણામાં ૧૨ થી ૧૮ ટકા અને પાલઘરના સૂર્યા ડેમમાં ૨૦ ટકા જેટલો પાણીનો સ્ટોક વધવાની શક્યતા છે. વિદર્ભ અને ઉત્તર મહારાષ્ટ્રના નાગપુર, અમરાવતી, જળગાંવ અને ધૂળે સહિતના વિસ્તારોમાં પણ ઓરેન્જ એલર્ટ સાથે ૩ થી ૭ ઇંચ વરસાદની આગાહી કરવામાં આવી છે.
(5:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
