તા. ૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૧ સોમવાર
News of Monday, 3rd August 2026
વડાપ્રધાન મોદીનો ફેસબુક વિડીયો હટાવવા બદલ મેટાએ સંસદીય પેનલ સમક્ષ માંગી માફી: સભ્યોએ આકરૂ વલણ અપનાવી કાનૂની કાર્યવાહી અને જવાબદારી નક્કી કરવા કરી માંગ
'માફી પૂરતી નથી, આ રાષ્ટ્રીય સુરક્ષાનો વિષય છે': ભાજપ સાંસદ નિશિકાંત દુબેની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં IT કમિટીએ મેટાના અધિકારીઓ પર પ્રહારો કર્યા.

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફેસબુક વિડીયો પ્લેટફોર્મ પરથી અચાનક હટાવી દેવાના વિવાદમાં સોશિયલ મીડિયા જાયન્ટ 'મેટા' (Meta) ની મુશ્કેલીઓ વધી ગઈ છે. સોમવારે માહિતી અને ટેકનોલોજી (IT) અંગેની સંસદીય સ્થાયી સમિતિ સમક્ષ હાજર થયેલા મેટાના અધિકારીઓએ આ ઘટના બદલ બિનશરતી માફી માંગી હતી અને તેને એક "ટેકનિકલ ભૂલ" ગણાવી હતી. જોકે, સંસદીય સમિતિના સભ્યોએ આ માફીનો અસ્વીકાર કરતાં આકરૂ વલણ અપનાવ્યું હતું અને જવાબદાર અધિકારીઓ સામે કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
ભાજપના સાંસદ નિશિકાંત દુબેની અધ્યક્ષતામાં સોશિયલ અને ડિજિટલ મીડિયા પ્લેટફોર્મના નિયમન અંગે ચર્ચા કરવા માટે આ મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં ગૂગલ, મેટા, યુટ્યુબ, એક્સ (ટ્વિટર) અને સ્નેપચેટ ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને IT મંત્રાલય (MeitY) ના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. કમિટીના સભ્યોએ આકરા સવાલો પૂછતા જણાવ્યું હતું કે વડાપ્રધાન જેવા બંધારણીય પદ પર બેઠેલી વ્યક્તિની પોસ્ટ હટાવવી એ માત્ર કન્ટેન્ટ ડિલીટ કરવાનો મુદ્દો નથી, પરંતુ તે દેશની જાહેર વ્યવસ્થા અને સુરક્ષા સાથે જોડાયેલી ગંભીર બાબત છે.
ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ દેશના યુવાનોને સંબોધિત કરીને પેપર લીક સામે કડક કાર્યવાહી કરવાનું આશ્વાસન આપતો વિડીયો ફેસબુક પર પોસ્ટ કર્યો હતો, જેને મેટા દ્વારા અચાનક હટાવી દેવાયો હતો. બાદમાં વિડીયો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હોવા છતાં, કેન્દ્રીય IT મંત્રાલયે મેટાના ખુલાસાને "અપૂરતો" ગણાવ્યો હતો.
બીજી તરફ, હૈદરાબાદ સાયબર ક્રાઇમ પોલીસે પીએમ મોદી વિરુદ્ધ મોર્ફ કરેલી અને AI-જનરેટેડ વાંધાજનક પોસ્ટ્સ વાયરલ કરવા બદલ મેટા ઇન્ડિયાના હેડ અરુણ શ્રીનિવાસ સહિત અનેક સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સામે ગુનો પણ નોંધ્યો છે. સંસદીય પેનલે મેટા પાસે તેના પ્લેટફોર્મ પર હાજર આવી વાંધાજનક અને વિવાદાસ્પદ સામગ્રી સામે અત્યાર સુધી શું પગલાં લેવાયા છે તેનો સંપૂર્ણ રિપોર્ટ પણ માંગ્યો છે.
(7:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
