તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 14th September 2026
પૂર પીડિતો માટે ‘મસીહા’ કે વિવાદનું કેન્દ્ર? એક જ દિવસમાં સાડા ચાર લાખની રોકડ વહેંચતા પપ્પુ યાદવ
ચૂંટણી સોગંદનામામાં માત્ર ૩.૧૬ લાખ રોકડા દર્શાવનાર સાંસદ પાસે લાખો રૂપિયા ક્યાંથી આવ્યા? નાણાકીય સ્ત્રોત અંગે પ્રશ્નો ઉભા થયા

પટણા: બિહારમાં ગંગા સહિતની નદીઓના પૂરે ભારે તારાજી સર્જી છે, ત્યારે પૂર્ણિયાના અપક્ષ સાંસદ પપ્પુ યાદવ સતત પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને રાહત સામગ્રી તેમજ રોકડ નાણાંનું વિતરણ કરી રહ્યા છે. વૈશાલી જિલ્લાના રાઘોપુર, બિદુપુરના જમીનદારી ઘાટ અને વિષ્ણુપુર ગામોમાં હોડી મારફતે પહોંચેલા પપ્પુ યાદવે એક જ દિવસમાં પૂર પીડિતો વચ્ચે આશરે સાડા ચાર લાખ રૂપિયા રોકડા વહેંચ્યા હોવાના વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. તેઓ પૂર પીડિત પરિવારોને રાશન, સેનિટરી પેડની સાથે પ્રતિ પરિવાર ₹500 ની રોકડ સહાય આપી રહ્યા છે.
જોકે, આ રોકડ વિતરણ સાથે જ મોટો રાજકીય અને નાણાકીય વિવાદ પણ ઊભો થયો છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણી દરમિયાન તેમણે રજૂ કરેલા સોગંદનામા મુજબ, તેમની પાસે હાથ પર માત્ર ₹૩.૧૬ લાખની રોકડ હતી, જ્યારે તેમની પત્ની પાસે ₹૨.૭૭ લાખની રોકડ દર્શાવવામાં આવી હતી. સાંસદની કુલ સંપત્તિ ₹૧૨.૦૮ કરોડ અને દેવું ₹૧.૭૨ કરોડ હોવાનું જાહેર કરાયું હતું. આવી સ્થિતિમાં પૂર રાહતના નામે લાખો રૂપિયાની રોકડ રકમ ક્યાંથી આવી રહી છે તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે.
પપ્પુ યાદવે આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે "ગરીબોની મદદ કરવા માટે તેમની પાસે ભારત સરકાર કરતાં પણ વધુ ભંડોળ અને વ્યવસ્થા છે" અને "જ્યાં સુધી તેઓ જીવિત છે ત્યાં સુધી ગરીબોને ભૂખ્યા મરવા નહીં દે". ઉલ્લેખનીય છે કે, અગાઉ પટણા, પૂર્ણિયા, કટિહાર અને વૈશાલીમાં રાહત અભિયાન દરમિયાન તેમની સામે આચારસંહિતા ભંગ અને આવકવેરાતરફથી પણ નોટિસ આપવામાં આવી હતી. આમ છતાં, પપ્પુ યાદવ આક્ષેપો ફગાવીને પીડિતો માટે પોતાનું આ વ્યક્તિગત મદદ અભિયાન સતત ચાલુ રાખી રહ્યા છે.
(7:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
