તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd June 2026
મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપની કમાન ભારતીયના હાથમાં :ક્રેડના ફાઉન્ડર કુણાલ શાહ બનશે CEO
વર્તમાન CEO વિલ કેથકાર્ટ પદ છોડ્યા બાદ CRED ના સ્થાપક કુણાલ શાહ નવા ગ્લોબલ CEO તરીકે જવાબદારી સંભાળશે:Meta ના આ નિર્ણયથી ભારતીય ટેક ટેલેન્ટને વૈશ્વિક સ્તરે વધુ એક મોટી ઓળખ મળી

દુનિયાના સૌથી મોટા અને લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપની લીડરશીપમાં એક મોટો અને ઐતિહાસિક ફેરફાર થવા જઈ રહ્યો છે. વોટ્સએપના વર્તમાન CEO વિલ કેથકાર્ટ હવે પોતાનું પદ છોડી રહ્યા છે અને તેમની જગ્યાએ ભારતની જાણીતી ફિનટેક કંપની ક્રેડના ફાઉન્ડર કુણાલ શાહ વોટ્સએપના નવા ગ્લોબલ CEO તરીકે જવાબદારી સંભાળશે. મેટા દ્વારા લેવાયેલો આ નિર્ણય દર્શાવે છે કે વૈશ્વિક ટેક જગતમાં ભારતીયોનો દબદબો સતત વધી રહ્યો છે.
કુણાલ શાહ ભારતના સૌથી સફળ અને સન્માનિત બિઝનેસ લીડર્સમાંના એક છે. તેઓ CRED નામની ફિનટેક એપના સ્થાપક છે. શરૂઆતમાં CRED ને ક્રેડિટ કાર્ડના બિલ પેમેન્ટના સોલ્યુશન તરીકે લોન્ચ કરવામાં આવી હતી. જોકે, સમય જતાં આ એપમાં અનેક નવી સર્વિસ ઉમેરાઈ અને આજે તે એક એવું પ્લેટફોર્મ બની ગયું છે જ્યાંથી પેમેન્ટ કરવાથી લઈને લોન લેવા સુધીની સુવિધાઓ મળે છે. કુણાલ શાહની બિઝનેસ સમજ અને ભવિષ્યલક્ષી વિચારસરણીએ તેમને ગ્લોબલ સ્તરે એક અલગ ઓળખ અપાવી છે.
આ લીડરશીપમાં ફેરફારની સાથે એક બીજી મોટી અને રસપ્રદ બાબત પણ સામે આવી છે. વોટ્સએપની પેરેન્ટ કંપની મેટાએ કુણાલ શાહની કંપની ક્રેડ (CRED) માં લગભગ 1 બિલિયન ડોલરનું જંગી રોકાણ કર્યું છે. આ આર્થિક પાર્ટનર્શીપ દર્શાવે છે કે મેટા માત્ર કુણાલ શાહને એક લીડર તરીકે જ નથી અપનાવી રહ્યું, પરંતુ તેમની કંપનીના વિઝનમાં પણ વિશ્વાસ ધરાવે છે. આ રોકાણ આખી ટ્રાન્ઝિશન પ્રક્રિયાને સરળ બનાવવાનો એક ભાગ માનવામાં આવે છે.
છેલ્લા 7 વર્ષથી વોટ્સએપનું સફળતાપૂર્વક સુકાન સંભાળનાર વિલ કેથકાર્ટ હવે મેટામાં નવી પ્રોડક્ટ્સ વિકસાવવાની ભૂમિકામાં જોવા મળશે. તેમના આ શાનદાર કાર્યકાળની પ્રશંસા કરતા મેટાના પ્રોડક્ટ હેડ ક્રિસ કોક્સે જણાવ્યું હતું કે કેથકાર્ટના નેતૃત્વમાં વોટ્સએપે અભૂતપૂર્વ પ્રગતિ સાધીને ૩ અબજથી વધુ વૈશ્વિક વપરાશકર્તાઓ (જેમાં અમેરિકાના 10 કરોડથી વધુ યુઝર્સ સામેલ છે) સુધી પોતાની 'એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ' સેવા પહોંચાડી છે. એક અબજો ડોલરના બિઝનેસ મોડલ તરીકે વોટ્સએપને પ્રસ્થાપિત કરવા ઉપરાંત, તેમણે હંમેશા યુઝર્સની ડેટા પ્રાઈવસીને સર્વોચ્ચ પ્રાધાન્ય આપ્યું છે. યુઝર્સની ગોપનીયતાના રક્ષણ માટે તેમણે બેકડોર એક્સેસ માંગતી સરકારોનો મક્કમતાથી વિરોધ કર્યો હતો અને NSO ગ્રુપ જેવી સ્પાયવેર કંપનીઓને કાનૂની લડતમાં હરાવીને પ્લેટફોર્મની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી. આગામી 25 જૂને યોજાનારી વિશેષ બેઠકમાં વિલ કેથકાર્ટને ઔપચારિક વિદાય આપીને તેમની જગ્યાએ નવા લીડર કુણાલ શાહને ટીમ સાથે સત્તાવાર રીતે પરિચિત કરાવવામાં આવશે.
(9:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
