<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

રૂ. ૨,૦૦૦થી વધુના UPI પેમેન્ટ પર વેપારીઓએ આપવો પડશે ૦.૪ ટકા MDR ચાર્જ : ૧૫ ઓક્ટોબરથી લાગુ થશે નવો નિયમ : રૂ. ૫,૦૦૦ પર ₹ ૨૦ અને રૂ. ૧૦,૦૦૦ પર ₹ ૪૦ રૂપિયા કપાશે

ગ્રાહકો માટે UPI ટ્રાન્ઝેક્શન સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે : મહત્તમ ચાર્જ મર્યાદા રૂ. ૩૦૦ નક્કી કરાઈ : ક્યુઆર કોડથી મહિને ૧ લાખ સુધી કમાતા નાના વેપારીઓ અને રૂ. ૨,૦૦૦ સુધીના પેમેન્ટને શુલ્કમાંથી મુક્તિ

નવી દિલ્હી: ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર શુલ્ક વસૂલવા અંગે ચાલી રહેલા વિરોધ અને ચર્ચાઓ વચ્ચે કેન્દ્ર સરકાર અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા UPI મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) અંગે ફોર્મ્યુલા નક્કી કરીને નવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. આ નિયમ અનુસાર, ૧૫ ઓક્ટોબર ૨૦૨૬થી રૂ. ૨,૦૦૦થી વધુ રકમના યુપીઆઈ ચૂકવણા પર વેપારીઓ (મર્ચન્ટ્સ) પાસેથી ૦.૪ ટકા ફી વસૂલવામાં આવશે. જોકે, ગ્રાહકો માટે યુપીઆઈ સેવા સંપૂર્ણપણે મફત રહેશે અને બેંકો કે પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર ગ્રાહકો પર કોઈ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ ચાર્જ લગાવી શકશે નહીં.

મહત્તમ ચાર્જની મર્યાદા પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂ. ૩૦૦ નક્કી કરાઈ:
નવા ફ્રેમવર્ક મુજબ, ૦.૪ ટકા MDR લાગુ થશે પરંતુ પ્રતિ ટ્રાન્ઝેક્શન મહત્તમ ચાર્જની મર્યાદા રૂ. ૩૦૦ નક્કી કરાઈ છે. આ નિયમ પ્રમાણે જો કોઈ ગ્રાહક વેપારીને રૂ. ૭૫,૦૦૦ કે તેથી વધુ રકમનું યુપીઆઈ ચૂકવણું કરે, તો ૦.૪ ટકા લેખે ચાર્જ વધુ થતો હોવા છતાં વેપારી પાસેથી મહત્તમ રૂ. ૩૦૦ જ MDR તરીકે લેવાશે.

ટ્રાન્ઝેક્શન રકમ અનુસાર વેપારીઓએ ચૂકવવો પડતો ચાર્જ:
 * રૂ. ૨,૦૦૦ સુધી: કોઈ ચાર્જ નહીં (૦ ટકા)
 * રૂ. ૩,૦૦૦ પર: ૦.૪૦ ટકા લેખે રૂ. ૧૨
 * રૂ. ૫,૦૦૦ પર: ૦.૪૦ ટકા લેખે રૂ. ૨૦
 * રૂ. ૧૦,૦૦૦ પર: ૦.૪૦ ટકા લેખે રૂ. ૪૦
 * રૂ. ૫૦,૦૦૦ પર: ૦.૪૦ ટકા લેખે રૂ. ૨૦૦
 * રૂ. ૭૫,૦૦૦ કે તેથી વધુ પર: ફિક્સ્ડ રૂ. ૩૦૦

નાના વેન્ડરો અને ખાસ કેટેગરી માટે રાહત:
નવા નિયમો હેઠળ ક્યુઆર કોડ દ્વારા દર મહિને રૂ. ૧ લાખ સુધીનું ટર્નઓવર કે કમાણી ધરાવતા નાના વેપારીઓને કોઈ MDR ચૂકવવો પડશે નહીં. આ ઉપરાંત, રેલવે અને ફ્યુઅલ (પેટ્રોલ-ડીઝલ) જેવી ખાસ કેટેગરીમાં રૂ. ૨,૦૦૦થી વધુના પેમેન્ટ પર ૦.૪ ટકાને બદલે રૂ. ૫ ની ફ્લેટ ફી લાગુ કરાશે, જ્યારે અન્ય હાઈ-વેલ્યુ P2M ટ્રાન્ઝેક્શન પર ૦.૪ ટકા ચાર્જ લાગશે.

૯૫ ટકાથી વધુ ટ્રાન્ઝેક્શન પર કોઈ અસર નહીં:
સરકારની આ પહેલથી નાના વેન્ડરો અને ટિયર-૩ માર્કેટ માટે ડિજિટલ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા એક ખાસ ફંડની પણ રચના કરવામાં આવશે. તમામ મર્ચન્ટ્સ માટે રૂ. ૨,૦૦૦ સુધીના નાના ટ્રાન્ઝેક્શન પર આ નિયમની કોઈ અસર નહીં પડે, જે દેશના કુલ UPI P2M ટ્રાન્ઝેક્શનનો ૯૫ ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. સામાન્ય નાગરિકો વચ્ચે થતા આપસી લેવડ-દેવડ (P2P) પણ પૂર્વવત સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે.

(11:25 PM IST)