News of Friday, 26th June 2026
રાજસ્થાનમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: રાજધાની જયપુરમાં માત્ર એક કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો

(અકિલા) જયપુર: કાળઝાળ ગરમી અને બફારાનો સામનો કરી રહેલા રાજસ્થાનમાં આખરે નૈઋત્યના ચોમાસાએ વિધિવત રીતે દસ્તક દીધી છે. મેઘરાજાની એન્ટ્રી સાથે જ રાજધાની જયપુરમાં તોફાની બેટિંગ જોવા મળી છે. જયપુરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કાળાડિબાંગ વાદળો ઘેરાયા બાદ માત્ર એક કલાકના ટૂંકા ગાળામાં જ બે ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસી જતાં નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.
જયપુર ઉપરાંત રાજસ્થાનના અન્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો છે. ખાસ કરીને ઉદયપુર, કોટા, સવાઈ માધોપુર, ચિત્તોડગઢ, અજમેર અને ભીલવાડા સહિતના પૂર્વીય અને દક્ષિણી જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડ્યો હોવાના અહેવાલો છે, જેનાથી ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી રહી છે.
રાજસ્થાન પર ચોમાસાની છેલ્લી સ્થિતિ અંગે હવામાન વિભાગે જણાવ્યું છે કે, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સક્રિય થઈ ગયું છે અને સાનુકૂળ પરિસ્થિતિઓને કારણે આગામી બે થી ત્રણ દિવસમાં તે પશ્ચિમ રાજસ્થાન સહિત સમગ્ર રાજ્યને આવરી લેશે તેવી પ્રબળ સંભાવના છે. આગામી ૪૮ કલાક માટે અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે વહીવટીતંત્ર દ્વારા યલો અને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. *
(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
