<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

ચોમાસાની વિદાય વચ્ચે દેશના ૧૩ રાજ્યોમાં મેઘમહેર: ૬૦ કિમીની ઝડપે ફૂંકાશે પવન, દિલ્હી-યુપી સહિત ઉત્તર ભારતમાં શુષ્ક હવામાનની આગાહી!

શનિવારે પૂર્વોત્તર અને દક્ષિણ ભારતના રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની શક્યતા: IMD દ્વારા તમિલનાડુ, કેરળ અને પશ્ચિમ બંગાળ માટે એલર્ટ જારી

નવી દિલ્હી : દેશના અનેક ભાગોમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હવે ધીમે ધીમે વિદાય લઈ રહ્યું છે, ત્યારે ભારતીય હવામાન વિભાગ (IMD) એ ૩ ઓક્ટોબર શનિવારના રોજ દેશના ૧૩ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની તીવ્ર આગાહી વ્યક્ત કરી છે. કેટલાક દક્ષિણ ભારતીય રાજ્યોમાં પવનની ગતિ ૫૦ થી ૬૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની સંભાવના છે. બીજી તરફ ઉત્તર અને મધ્ય ભારતના મોટાભાગના રાજ્યોમાં ચોમાસાની વિદાય માટે અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે.

 

આ ૧૩ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ

 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શનિવારે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ અને કેરળના અલગ-અલગ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત આંદામાન-નિકોબાર અને લક્ષદ્વીપમાં પણ મેઘમહેર જોવા મળશે. તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ૪૦ થી ૬૦ કિમી/કલાક તેમજ કેરળમાં ૩૦ થી ૪૦ કિમી/કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.

 

દિલ્હી, યુપી, બિહાર અને રાજસ્થાનમાં હવામાન શુષ્ક રહેશે

 

ઉત્તર ભારતના રાજ્યોમાં ૩ ઓક્ટોબરે વરસાદથી રાહત રહેશે. દિલ્હીમાં આકાશ સ્વચ્છ રહેશે અને તાપમાન ૩૩ થી ૩૫ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની ધારણા છે. ઉત્તર પ્રદેશ, બિહાર, હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં શનિવારે મુખ્યત્વે શુષ્ક હવામાન રહેશે. આગામી ૨૪ કલાકમાં યુપી, બિહાર અને રાજસ્થાનના બાકીના ભાગોમાંથી ચોમાસું સત્તાવાર રીતે વિદાય લેશે.

 

૫ ઓક્ટોબરથી હવામાનમાં ફરી પલટો આવશે

 

હવામાન વિભાગની સાત દિવસની આગાહી મુજબ ૩ અને ૪ ઓક્ટોબરે ઉત્તર ભારતમાં રાહત રહ્યા બાદ ૫ થી ૮ ઓક્ટોબર દરમિયાન પૂર્વીય-પશ્ચિમી ઉત્તર પ્રદેશ, બિહારના કેટલાક ભાગો અને હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં ફરીથી છૂટોછવાયો વરસાદ અને ૫૦ કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

 

(7:49 PM IST)