તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th July 2026
દિલ્હી-NCRમાં મેઘરાજાનું તાંડવ, માત્ર 40 મિનિટના વરસાદે ગુરુગ્રામને 'તળાવ' બનાવ્યું: નોઈડા, ગાઝિયાબાદ અને દિલ્હીના રસ્તાઓ જળમગ્ન, ઠેર-ઠેર કિલોમીટરો લાંબો ટ્રાફિક જામ!
સાયબર સિટીથી લઈને યમુનાપાર સુધી ડ્રેનેજ સિસ્ટમની પોલ ખુલી: નોઈડામાં કાર પર પડ્યો વીજળીનો થાંભલો, ફરીદાબાદમાં ઓટો પલટી, વહીવટીતંત્ર હાઈએલર્ટ પર

નવી દિલ્હી, તા.28: રાજધાની દિલ્હી અને આસપાસના એનસીઆર (NCR) વિસ્તારમાં આજે મેઘરાજાએ એવો અણધાર્યો અને તોફાની ધમાકો કર્યો કે સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. માત્ર ૩૫ થી ૪૦ મિનિટના ધોધમાર વરસાદે દેશની રાજધાની અને તેના સેટેલાઇટ શહેરોની સ્માર્ટનેસના ધજાગરા ઉડાડી દીધા છે. હાઇટેક ગણાતા ગુરુગ્રામના પોશ વિસ્તારો તળાવમાં ફેરવાઈ ગયા છે, તો બીજી તરફ નોઈડા, ગાઝિયાબાદ અને દક્ષિણ દિલ્હીના મુખ્ય માર્ગો જળબંબાકાર થતાં વાહનવ્યવહાર પૂરેપૂરો ઠપ્પ થઈ ગયો છે.
ગુરુગ્રામમાં વાદળ ફાટ્યા જેવી સ્થિતિ: SDM દોડતા થયા
સાયબર સિટી ગુરુગ્રામમાં સોહના વિસ્તાર સહિત સમગ્ર શહેરમાં અચાનક તૂટી પડેલા વરસાદે હાહાકાર મચાવ્યો છે. મદનપુરી, ન્યૂ કોલોની, સેક્ટર ૪૭, સેક્ટર ૫, સેક્ટર ૯ અને રેલ્વે રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગુરુગ્રામ વહીવટીતંત્ર હાઈએલર્ટ મોડ પર આવી ગયું છે. ગુરુગ્રામના SDM હિતેન્દ્ર કુમાર અને બાદશાહપુરના SDM સંજીવ સિંગલા પોતે રાજીવ ચોક, સિગ્નેચર ટાવર અને NH-48 જેવા અત્યંત વ્યસ્ત વિસ્તારોમાં ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરીને પાણીના નિકાલની કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે.
દિલ્હીના લક્ષ્મી નગર અને વિકાસ માર્ગ પર ટ્રાફિક સ્તબ્ધ
પૂર્વ દિલ્હી અને યમુનાપારના વિસ્તારો જેવા કે વિકાસ માર્ગ, લક્ષ્મી નગર, કરકરડૂમા, પ્રીત વિહાર, ગાંધી નગર, શાહદરા અને દિલશાદ ગાર્ડનમાં રસ્તાઓ પર ૨ થી ૩ ફૂટ સુધી પાણી ભરાઈ જતાં વાહનો ફસાઈ ગયા હતા. ઓફિસથી ઘરે પરત ફરી રહેલા કે કામે નીકળેલા હજારો લોકો કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાયા હતા. ટુ-વ્હીલર ચાલકોની બાઇકો પાણીમાં બંધ પડી જતાં તેમણે અસહ્ય યાતના ભોગવવી પડી હતી. આ ઉપરાંત, પટપડગંજ અને પાંડવ નગર અંડરપાસ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે.
નોઈડામાં કાર પર થાંભલો પડ્યો, ફરીદાબાદમાં ઓટો પલટી
વરસાદના કારણે સર્જાયેલી આફતમાં નોઈડા સેક્ટર ૪ માં એક ચાલતી કાર પર વીજળીનો થાંભલો ધરાશાયી થયો હતો, જોકે સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. મહામાયા ફ્લાયઓવર અને સેક્ટર ૬૦ અંડરપાસ પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. તો બીજી તરફ ફરીદાબાદમાં રસ્તા પર ભરાયેલા કાદવ અને ઊંડા પાણીના કારણે એક મુસાફરો ભરેલી ઓટો રિક્ષા પલટી મારી ગઈ હતી.
સ્થાનિક લોકોમાં રોષ, IMD નું 'યલો એલર્ટ'
ચોમાસાની શરૂઆતમાં જ પાલિકા અને વહીવટીતંત્રના કાગળ પરના દાવાઓની હવામાં લીરેલીરા ઉડી ગયા છે. સ્થાનિક રહીશો અને વેપારીઓનો આરોપ છે કે દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચે થતી પ્રી-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહે છે, જેના કારણે સ્થાનિક બજારોમાં પાણી ઘૂસી જતાં મોટું આર્થિક નુકસાન થાય છે.
હવામાન વિભાગ (IMD) એ ચેતવણી આપી છે કે આગામી બે દિવસ સુધી દિલ્હી-NCR માં ભારે વરસાદનું 'યલો એલર્ટ' યથાવત રહેશે અને તાપમાનમાં ૫ થી ૬ ડિગ્રીનો ઘટાડો નોંધાશે. જોકે, વરસાદી આહલાદક હવામાન વચ્ચે પાણી ભરાવાની આ સમસ્યાથી લોકોને હાલ તુરંત રાહત મળે તેમ લાગતું નથી.
(4:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
