News of Tuesday, 5th May 2026
બિહારના હાજીપુરમાં મેઘરાજાનો કહેર: માત્ર એક કલાકના વરસાદમાં આખું શહેર પાણીમાં ગરકાવ; કલેક્ટર કચેરીમાં ભરાયા ઘૂંટણસમા પાણી, રસ્તાઓ બન્યા સ્વિમિંગ પૂલ
પ્રી-મોન્સૂન વરસાદે મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી-પ્લાનિંગની પોલ ખોલી: હાજીપુરની સડકો પર હોડી ચાલે તેવી સ્થિતિ, જનજીવન ખોરવાયું

હાજીપુર: બિહારના હાજીપુરમાં આજે મેઘરાજાએ એવું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું કે માત્ર એક કલાકના ટૂંકા ગાળાના વરસાદમાં સમગ્ર શહેર ટાપુમાં ફેરવાઈ ગયું છે. ચોમાસાની વિધિવત શરૂઆત પહેલા પડેલા આ ભારે વરસાદે વહીવટી તંત્રના ડ્રેનેજ ક્લિનિંગના તમામ દાવાઓની પોલ ખોલી નાખી છે. હાજીપુરના પોશ વિસ્તારોથી લઈને સરકારી કચેરીઓ સુધી બધે જ જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે.
DM ઓફિસ પણ ન બચી શકી
ચોંકાવનારી વાત એ છે કે જિલ્લાના વહીવટના મુખ્ય કેન્દ્ર ગણાતી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (DM) ની ઓફિસના પરિસરમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. કલેક્ટર કચેરીમાં કામકાજ અર્થે આવેલા લોકો અને કર્મચારીઓને ઓફિસમાં પ્રવેશવા માટે પાણીમાંથી પસાર થવાની ફરજ પડી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા દ્રશ્યોમાં સરકારી કચેરીઓ તળાવ જેવી દેખાઈ રહી છે.
સડકો પર 'દરિયો' છલકાયો
શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણીનો નિકાલ ન થવાને કારણે રસ્તાઓ પર ૨ થી ૩ ફૂટ પાણી ભરાયા છે. અનેક વાહનો પાણીમાં ફસાઈ ગયા હતા અને ટુ-વ્હીલર ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરો અને દુકાનોમાં પણ પાણી ઘૂસી જવાથી લાખો રૂપિયાના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
તંત્રની નિષ્ફળતા સામે રોષ
સ્થાનિક રહીશોમાં નગર નિગમ અને વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે જો માત્ર એક કલાકના વરસાદમાં આ હાલત થતી હોય, તો જ્યારે પૂરું ચોમાસું જામશે ત્યારે હાજીપુરની હાલત શું થશે? ડ્રેનેજ લાઈનોની સફાઈમાં ગંભીર બેદરકારી રાખવામાં આવી હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે.
અત્યારે હાજીપુરની જનતા ભગવાન ભરોસે હોય તેવું લાગી રહ્યું છે અને તંત્ર હવે યુદ્ધના ધોરણે પાણી નિકાલની કામગીરીમાં જોડાયું છે.
(7:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
