<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

મુંબઈમાં મેઘરાજાએ લીધો વિરામ, જુલાઈના અંત સુધી હળવાથી મધ્યમ ઝાપટાંની આગાહી: થાણે માટે યલો તો રાયગઢમાં ઓરેન્જ એલર્ટ!

મુંબઈના સાતેય તળાવો ૮૩% સુધી ભરાયા: ૨૯૫ દિવસ ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં ૧૦% પાણી કાપ યથાવત રહેશે

મુંબઈ : આ અઠવાડિયે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ધમાકેદાર બેટિંગ કર્યા બાદ હવે મેઘરાજાએ થોડો વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, મુંબઈ અને પાલઘર જિલ્લામાં જુલાઈના અંત સુધી એટલે કે ૨૬ થી ૨૯ જુલાઈ દરમિયાન માત્ર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડે તેવી શક્યતા છે. મુંબઈ માટે હવામાન વિભાગ દ્વારા કોઈ ગંભીર ચેતવણી જારી કરવામાં આવી નથી, જેનાથી મુંબઈગરાઓને મોટી રાહત મળી છે.

આગામી દિવસોના હવામાનની વાત કરીએ તો, પડોશી જિલ્લા થાણે માટે ૨૬ જુલાઈએ 'યલો એલર્ટ' જારી કરવામાં આવ્યું છે, જ્યાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે રાયગઢ જિલ્લા માટે ૨૬ જુલાઈએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના સાથે 'ઓરેન્જ એલર્ટ' અને ૨૭ જુલાઈએ 'યલો એલર્ટ' જાહેર કરાયું છે. મુંબઈમાં શનિવારે પૂરા થતાં ૨૪ કલાકમાં કોલાબા ખાતે ૧૪.૪ મીમી અને સાન્તાક્રુઝમાં ૪.૬ મીમી હળવો વરસાદ નોંધાયો હતો.

મુંબઈગરાઓ માટે સૌથી મોટા ખુશખબર જળાશયોના વોટર લેવલને લઈને આવ્યા છે. જુલાઈ મહિનાના પ્રારંભિક દિવસોમાં પડેલા મસમોટા વરસાદને કારણે શહેરને પીવાનું પાણી પૂરું પાડતા સાતેય તળાવોમાં હાલમાં કુલ ક્ષમતાના ૮૩ ટકા એટલે કે ૧૨.૧૧ લાખ મિલિયન લીટર પાણીનો સંગ્રહ થઈ ચૂક્યો છે. પાણીનો આ જથ્થો મુંબઈ શહેરની આગામી ૨૯૫ દિવસની જરૂરિયાતો પૂરી કરવા માટે પૂરતો છે.

જોકે, તળાવોમાં વિપુલ પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં, બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC) દ્વારા લાદવામાં આવેલો ૧૦ ટકા પાણી કાપ હાલ પૂરતો ચાલુ જ રહેશે. ચોમાસાની ઋતુના ઉત્તરાધમાં 'અલ નીનો' અસરને કારણે સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને, બીએમસીએ ૧ ઓક્ટોબર સુધી જરૂરી એવા ૧૪.૪૭ લાખ મિલિયન લીટરના લક્ષ્યાંકને પહોંચી વળવા માટે તકેદારીના ભાગરૂપે આ નિર્ણય જાળવી રાખ્યો છે.

 

(10:49 PM IST)