News of Friday, 24th July 2026
હિમાચલ પ્રદેશમાં મેઘ તાંડવ જારી રહેશે: ૩૧ જુલાઈ સુધી ભારે વરસાદની કડક ચેતવણી; ૧૦૦ થી વધુ રસ્તાઓ બંધ
શિમલા, સોલન અને સિરમૌરમાં ભૂસ્ખલન અને પૂરનું ભારે જોખમ; આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા પ્રવાસીઓ અને સ્થાનિકો માટે એડવાઈઝરી જાહેર

શિમલા : કુદરતના કોપનો સામનો કરી રહેલા હિમાચલ પ્રદેશ માટે આગામી દિવસો વધુ ભારે સાબિત થઈ શકે છે. હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, ૩૧ જુલાઈ સુધી રાજ્યમાં આફતના વરસાદથી કોઈ રાહત મળવાની શક્યતા નથી. ચોમાસું ભારે આક્રમક મૂડમાં રહેશે, જેના કારણે શિમલા, સોલન અને સિરમૌર સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે મૂશળધાર વરસાદ અને પહાડો ધસી પડવાની ભૂસ્ખલન (Landslide) ની ઘટનાઓ વધવાની ભીતિ સેવાઈ રહી છે.
૧૦૦ થી વધુ માર્ગો ઠપ્પ, શ્રી નૈનાદેવીમાં સૌથી વધુ વરસાદ
સતત થઈ રહેલા વરસાદના કારણે સમગ્ર હિમાચલમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રાજ્યના વિવિધ ભાગોમાં ભૂસ્ખલન થવાથી લગભગ ૧૦૦ જેટલા મુખ્ય અને આંતરિક રસ્તાઓ વાહનવ્યવહાર માટે તદ્દન બંધ થઈ ગયા છે. બોર્ડર રોડ્સ અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા રસ્તાઓ પુનઃસ્થાપિત કરવા કામગીરી ચાલુ છે. પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી નૈનાદેવી વિસ્તારમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે, જેના કારણે નદી-નાળાઓમાં ઘોડાપૂર આવ્યા છે.
પ્રવાસીઓ માટે વહીવટીતંત્રની ખાસ સલાહ (Advisory)
નદીઓનું જળસ્તર ભયજનક રીતે વધતાં ડેમોમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (SDMA) એ પ્રવાસીઓ અને સ્થાનિક નાગરિકો માટે તાકીદની માર્ગદર્શિકા જાહેર કરી છે:
• નદી-નાળા, કોતરો અને ભૂસ્ખલન-સંભવિત વિસ્તારોથી દૂર રહેવું.
• અત્યંત જરૂરી કે કટોકટીનું કામ ન હોય ત્યાં સુધી પહાડી વિસ્તારોમાં મુસાફરી કરવાનું ટાળવું.
• પહાડો પરથી પથ્થર પડવાનું જોખમ હોવાથી સ્થાનિક વહીવટીતંત્રની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું.
(6:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
