<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના પ્રવાસીઓ માટે મેગા પ્લાન: માત્ર મિનિટોમાં ઘર પહોંચવા માટે MMRDA દ્વારા તૈયાર થઈ રહી છે પોડ ટેક્સી અને એલિવેટેડ બસની હાઈ-ટેક સુવિધા!

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનથી મુંબઈ પહોંચતા પ્રવાસીઓને ટ્રાફિકની ઝંઝટ વગર સીધા પોતાના ઘરે પહોંચાડી શકાય તે માટે મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણ (MMRDA) દ્વારા રૂ. 1.5 લાખ કરોડના ખર્ચે અત્યાધુનિક લાસ્ટ માઇલ કનેક્ટિવિટી નેટવર્કનું આયોજન કરવામાં આવ્યું છે.

મુંબઈ : મુંબઈ અને અમદાવાદ વચ્ચે ટૂંક સમયમાં શરૂ થનારી ડ્રીમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને મુસાફરો માટે એક અત્યંત રાહતના સમાચાર સામે આવ્યા છે. મુંબઈ પહોંચ્યા બાદ પ્રવાસીઓ ભારે ટ્રાફિક કે લાંબી મુસાફરી કર્યા વગર ખૂબ જ ઝડપથી પોતાના ઘર સુધી પહોંચી શકે તે હેતુસર MMRDA દ્વારા એક વિશાળ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. મેટ્રો ટ્રેનો ઉપરાંત હવે પ્રવાસીઓને ડ્રાઈવર વગર ચાલતી પોડ ટેક્સી અને રસ્તાથી ઉપર હવામાં દોડતી ઓટોમેટેડ બસ જેવી અત્યાધુનિક સુવિધાઓનો અદ્ભુત વિકલ્પ મળવા જઈ રહ્યો છે, જેનાથી મુસાફરી વધુ સરળ બનશે.

 

આ ભવ્ય આયોજન હેઠળ મુંબઈનું બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) દેશનું સૌથી મોટું અને હાઈ-ટેક ટ્રાન્સપોર્ટ હબ બનવા જઈ રહ્યું છે. બાંદ્રા અને કુર્લા રેલવે સ્ટેશન વચ્ચે દેશની પ્રથમ પોડ ટેક્સી દોડાવવામાં આવશે, જ્યારે વિરાર બુલેટ ટ્રેન સ્ટેશનથી સીધી કનેક્ટિવિટી આપવા માટે ડ્રાઈવરલેસ એલિવેટેડ બસ સેવા શરૂ કરવામાં આવશે. વસઈ-વિરાર સિટી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિરારમાં ઓટોમેટેડ ગાઇડવે ટ્રાન્ઝિટ સિસ્ટમ પર કામ ચાલી રહ્યું છે, જે હેઠળ 3 કિલોમીટર લાંબો એલિવેટેડ કોરિડોર વિરાર પૂર્વમાં બુલેટ ટ્રેન સ્ટેશનથી નાલાસોપારા મેટ્રો સ્ટેશન સુધી જોડવામાં આવશે. આ પ્રોજેક્ટમાં જાપાનની JICA અને TUSPL જેવી સંસ્થાઓ પણ સહયોગ આપી રહી છે.

 

BKC વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે શરૂ થનારી 9 કિલોમીટર લાંબી એલિવેટેડ પોડ ટેક્સી રૂટ પર કુલ 38 સ્ટેશનો હશે. આ સંપૂર્ણ એર-કન્ડિશન્ડ, બેટરીથી ચાલતી અને AI સંચાલિત પોડ ટેક્સીમાં 6 પ્રવાસીઓ બેસી શકશે અને તે 40 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે. વિશેષતા એ છે કે ઓન-ડિમાન્ડ ધોરણે માત્ર 15 થી 30 સેકન્ડમાં આ પોડ ટેક્સી મળી રહેશે, જે વચ્ચે કોઈ પણ સ્ટોપેજ વિના સીધા ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડશે. આ ઉપરાંત, થાણે, મીરા-ભાઈંદર અને નવી મુંબઈમાં પણ આ નેટવર્કનો વિસ્તાર કરવા માટે ઘોડબંદર રોડ પર ટૂંક સમયમાં ટ્રાયલ યોજાનાર છે.

 

મુંબઈકરોના પ્રવાસને વધુ સરળ બનાવવા માટે 337 કિલોમીટરના મેટ્રો નેટવર્કનું આયોજન છે, જેમાં કફ પરેડથી આરે વચ્ચે દોડતી અન્ડરગ્રાઉન્ડ મેટ્રો એક્વા લાઇન 3 નો પણ સમાવેશ થાય છે. બુલેટ ટ્રેન સ્ટેશન અને એરપોર્ટને સબવે દ્વારા આ મેટ્રો સાથે સાંકળી લેવાશે. એટલું જ નહીં, MMRDA દ્વારા ટૂંક સમયમાં 'વન મુંબઈ, વન ટિકિટ' અંતર્ગત એક સિંગલ સ્માર્ટ કાર્ડ અને કોમન મોબિલિટી એપ લોન્ચ કરવામાં આવશે, જેનાથી પ્રવાસીઓ લોકલ, મેટ્રો, મોનોરેલ, બસ અને પોડ ટેક્સીમાં એક જ કાર્ડથી મુસાફરી કરી શકશે. આ સંકલિત વ્યવસ્થાથી થાણે કે નવી મુંબઈથી દક્ષિણ મુંબઈ કે BKC સુધીની સફર માત્ર 30 થી 45 મિનિટમાં શક્ય બનશે.

 

(6:54 PM IST)