તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd June 2026
જયપુરમાં મિલિટરી ઇન્ટેલિજન્સ અને રાજસ્થાન ATSનું મેગા ઓપરેશન: પાકિસ્તાની આકાઓના ઇશારે દેશવિરોધી કાવતરું ઘડતી જૈશ-એ-મોહમ્મદની શંકાસ્પદ મહિલા સ્લીપર સેલ બબીતા ધાકડ ઉર્ફે 'ખાદીજા'ની ધરપકડ
ભારતીય સેનાની જાસૂસી કરવા અને સંવેદનશીલ માહિતી સરહદ પાર મોકલવા બદલ સુરક્ષા એજન્સીઓએ જયપુરથી મહિલાને ઝડપી પાડી: સોશિયલ મીડિયા પર હનીટ્રેપ રચીને સૈન્ય અધિકારીઓને ફસાવવાના મનસૂબાનો પર્દાફાશ, સઘન પૂછપરછ શરૂ

જયપુર: દેશની આંતરિક સુરક્ષાને લઈને રાજસ્થાનમાંથી એક ખૂબ જ મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ભારતીય સૈન્યની ગુપ્તચર પાંખ (મિલિટરી ઇન્ટેલિજન્સ) અને રાજસ્થાન એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) એ એક સંયુક્ત હાઈ-પ્રોફાઈલ ઓપરેશન પાર પાડીને પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલી એક શંકાસ્પદ મહિલા સ્લીપર સેલની ધરપકડ કરી લીધી છે. રાજધાની જયપુરના ભાનપુર વિસ્તારમાંથી ઝડપાયેલી આ મહિલાની ઓળખ બબીતા ધાકડ તરીકે થઈ છે, જે ઇસ્લામ અંગીકાર કર્યા બાદ 'ખાદીજા' તરીકે પણ સક્રિય થઈ હતી. આ ધરપકડ બાદ દેશની તમામ સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ છે.
સોશિયલ મીડિયા પર હનીટ્રેપનું મોટું નેટવર્ક
સૂત્રો પાસેથી મળતી સત્તાવાર માહિતી અનુસાર, પકડાયેલી મહિલા બબીતા ઉર્ફે ખાદીજા પાકિસ્તાનમાં બેઠેલા જૈશ-એ-મોહમ્મદના આકાઓ અને હેન્ડલર્સના સીધા સંપર્કમાં હતી. તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર અલગ-અલગ ફેક પ્રોફાઇલ બનાવીને ભારતીય સેનાના જવાનો અને અધિકારીઓને હનીટ્રેપમાં ફસાવવાનું કામ કરતી હતી. તેનો મુખ્ય હેતુ સૈન્ય અધિકારીઓ સાથે મિત્રતા કેળવીને ભારતીય સેનાની સુરક્ષા, સૈન્ય મથકોના લોકેશન અને ગુપ્ત દસ્તાવેજો મેળવીને પાકિસ્તાન મોકલવાનો હતો.
મિલિટરી ઇન્ટેલિજન્સની ટીપે આપ્યો મોટો આંચકો
છેલ્લા કેટલાક સમયથી મિલિટરી ઇન્ટેલિજન્સ આ શંકાસ્પદ ઓનલાઈન ગતિવિધિઓ પર વોચ રાખી રહ્યું હતું. જ્યારે આ મહિલાના દેશવિરોધી કાવતરાના પાકા પુરાવા મળ્યા, ત્યારે રાજસ્થાન ATS સાથે મળીને જયપુરમાં દરોડો પાડી તેને દબોચી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી શંકાસ્પદ ડિજિટલ દસ્તાવેજો, મોબાઈલ ફોન અને સીમકાર્ડ મળી આવ્યા છે, જેને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે.
દેશભરમાં ફેલાયેલા નેટવર્કની આશંકા
સુરક્ષા એજન્સીઓને આશંકા છે કે બબીતા ધાકડ ઉર્ફે ખાદીજા માત્ર એક મહોરું છે અને તેની પાછળ આખું સ્લીપર સેલ નેટવર્ક કામ કરી રહ્યું હોઈ શકે છે. આ ઓપરેશન અંતર્ગત ATS દ્વારા તેની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી એ જાણી શકાય કે અત્યાર સુધીમાં તેણે સેનાની કઈ-કઈ ગુપ્ત માહિતી પાકિસ્તાન સરહદે પહોંચાડી છે અને આ કાવતરામાં તેની સાથે અન્ય કેટલા સ્થાનિક લોકો સામેલ છે. આગામી દિવસોમાં આ મામલે વધુ કેટલાક મોટા ખુલાસાઓ અને ધરપકડો થવાની પ્રબળ શક્યતા જોવા મળી રહી છે.
(5:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
