News of Friday, 18th September 2026
નાગપુરમાં મેડિકલ ઈમરજન્સી જેવી સ્થિતિ: તાવ અને બીપીની દવાઓ ગુણવત્તા ટેસ્ટમાં ફેલ : સરકારી હોસ્પિટલોમાં મચ્યો હડકંપ!
મહારાષ્ટ્ર એફડીએની લાલ આંખ: ઈન્દોરની કંપની દ્વારા સપ્લાય કરાયેલી પેરાસીટામોલ અને ટેલ્મિસારટનનો લાખોનો સ્ટોક તાત્કાલિક પાછો ખેંચાયો : દર્દીઓના આરોગ્ય સામે મોટા સવાલો ઊભા થયા

નાગપુર: મહારાષ્ટ્રના નાગપુર શહેરની સરકારી હોસ્પિટલોમાંથી સામે આવેલા એક ચોંકાવનારા અહેવાલે આરોગ્ય ક્ષેત્રે ભારે ખળભળાટ મચાવી દીધો છે. સામાન્ય તાવમાં લેવાતી પેરાસીટામોલ અને હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરતી અતિ મહત્વપૂર્ણ ટેલ્મિસારટન દવાઓ મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન ના ગુણવત્તા પરીક્ષણમાં બરાબર ખરી ઉતરી નથી. નાગપુરની ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ અને ઇન્દિરા ગાંધી સરકારી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં સપ્લાય કરાયેલો આ દવાનો જંગી સ્ટોક ટેસ્ટિંગમાં નિષ્ફળ જતાં જ તબીબી આલમમાં અફરાતફરી મચી ગઈ છે. ઘટનાની ગંભીરતાને જોઈને હોસ્પિટલ વહીવટીતંત્રે તાત્કાલિક ધોરણે આ ગોળીઓનું વિતરણ અટકાવી દીધું છે.
લેબોરેટરી રિપોર્ટમાં થયેલા ખુલાસા મુજબ, મધ્યપ્રદેશના ઈન્દોર સ્થિત એક ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા બનાવવામાં આવેલી આ દવાઓ સુરક્ષા અને ગુણવત્તાના નિર્ધારિત ધોરણો પર નિષ્ફળ નીવડી છે. હોસ્પિટલોમાંથી 'પરાસેવ 500' (બેચ નંબર PTTC-108) નામના વેચાતી પેરાસીટામોલની આશરે 1.25 લાખ ગોળીઓ તાત્કાલિક વોર્ડ અને ફાર્મસીમાંથી પાછી ખેંચી લેવામાં આવી છે. એ જ રીતે, હાઈ બ્લડ પ્રેશર માટે વપરાતી ટેલ્મિસારટન 40 મિલિગ્રામ (બેચ નંબર CHPLT 416) ની ગોળીઓ પર માત્ર ડાઘ જ નહોતા, પરંતુ તે પેટમાં યોગ્ય રીતે ઓગળવાના ડિસોલ્યુશન ટેસ્ટમાં પણ ફેલ થઈ ગઈ હતી. જો દવા શરીરમાં યોગ્ય રીતે ઓગળે જ નહીં, તો તેની સક્રિય અસર દર્દી સુધી પહોંચતી નથી, જે ગંભીર બીપીના દર્દીઓ માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.
એફડીએના અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે આ ગોળીઓ તદ્દન નકલી નહોતી પરંતુ હલકી કક્ષાની (સબ-સ્ટેન્ડર્ડ) હતી, જેમાં દવાની ક્ષમતા, શુદ્ધતા અને દ્રાવ્યતામાં ગંભીર ખામીઓ જોવા મળી છે. લાખો દર્દીઓના જીવ સાથે રમત રમતી આવી નબળી ગુણવત્તાની દવાઓ સામે આવ્યા બાદ હવે રાજ્યભરની સરકારી હોસ્પિટલોમાં દવાની ખરીદી અને તપાસ પ્રક્રિયા પર મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે. તબીબી નિષ્ણાતો પણ લોકોને કોઈપણ દવા ગળતા પહેલા તેના દેખાવ અને બેચ નંબર પ્રત્યે જાગૃત રહેવાની સલાહ આપી રહ્યા છે. આ ઘટના બાદ તબીબી ક્ષેત્રે ફાર્મા કંપનીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગણીઓ પણ જોર પકડી રહી છે.
(7:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
