<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

મક્કા સંરક્ષણ કરાર અને પાકિસ્તાનની કૂટનીતિક અસમંજસ: 'સુરક્ષા કવચ' જ હવે શાહબાઝ સરકાર માટે મુશ્કેલી બન્યું

સાઉદી, તુર્કી સાથેના સૈન્ય ગઠબંધન વચ્ચે ઈરાન અને ચીનને સાચવવાનો અગ્નિપરીક્ષા સમો પડકાર: સૈન્ય પ્રવક્તાના અસ્પષ્ટ જવાબોથી વિદેશ નીતિ સામે ઊભા થયા સવાલો

સાઉદી અરેબિયા અને તુર્કી સાથે મળીને 'મક્કા સંરક્ષણ કરાર' દ્વારા પશ્ચિમ એશિયામાં પોતાની લશ્કરી શક્તિ અને વજન વધારવા મથી રહેલું પાકિસ્તાન ખુદ જ પોતાની જાળમાં ફસાયું છે. ૭ ઓગસ્ટના રોજ હસ્તાક્ષર કરાયેલા આ ત્રિપક્ષીય કરાર હેઠળ જો કોઈ એક દેશ પર હુમલો થાય તો તેને ત્રણેય દેશો પરનો હુમલો ગણવાની જોગવાઈ (નાટોની કલમ ૫ ની તર્જ પર) રાખવામાં આવી છે. જોકે, પશ્ચિમ એશિયામાં વધી રહેલા લશ્કરી તણાવ અને સાઉદી પર થતા ડ્રોન-મિસાઇલ હુમલા વચ્ચે આ જ શરત હવે પાકિસ્તાન માટે ગળાનો કાંટો બની ગઈ છે.

પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકાર એક તરફ સાઉદી અરેબિયા સાથે સુરક્ષા કરારમાં બંધાયેલી છે, તો બીજી તરફ પડોશી દેશ ઈરાન સાથેની સંવેદનશીલ સીમાઓ અને 'ઓલ-વેધર ફ્રેન્ડ' ચીન સાથેના સંબંધોને કારણે રાજદ્વારી રીતે ધર્મસંકટમાં મુકાઈ છે. ભૂતકાળમાં ૨૦૧૫ દરમિયાન પણ પાકિસ્તાની સંસદે સાઉદી આગેવાની હેઠળના યુદ્ધમાં પોતાના સૈનિકો મોકલવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.

દરમિયાન, 'અલ અરેબિયા' મીડિયા પ્લેટફોર્મને આપેલા ઇન્ટરવ્યુમાં પાકિસ્તાની સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ આ કરારનો બચાવ કરતા જણાવ્યું કે આ ગઠબંધન માત્ર 'સંરક્ષણાત્મક' અને પ્રાદેશિક સ્થિરતા માટે છે, કોઈ મુસ્લિમ સૈન્ય બ્લોક કે આક્રમક ગઠબંધન નથી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે કોઈ ગઠબંધન દેશ પર હુમલો થાય તો પાકિસ્તાન જમીન પર શું લશ્કરી પગલાં લેશે, ત્યારે તેમણે સ્પષ્ટ વિગતો આપવાનું ટાળીને ઓપરેશનલ બાબતો ગોપનીય હોવાનું કહ્યું હતું.

હાલમાં શાહબાઝ શરીફ સરકાર અને પાકિસ્તાની સૈન્ય વડપણ ઈરાન, ચીન અને અમેરિકા સાથેના પોતાના સંબંધો જાળવી રાખીને મધ્યસ્થ તરીકેની ભૂમિકા ભજવી કટોકટીમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ કટોકટી વખતે સાઉદી અરેબિયાને પ્રત્યક્ષ સૈન્ય મદદ આપવી કે કરારથી પીછેહઠ કરવી એ બે વિકલ્પો વચ્ચે પાકિસ્તાનની વિદેશ નીતિ અને આંતરરાષ્ટ્રીય શાખ દાવ પર લાગી છે.

(10:50 PM IST)