<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

બાંગ્લાદેશમાં ઓરીનો હાહાકાર: રસીકરણના અભાવે માસૂમ બાળકો પર મૌતનું સંકટ!

૪૫૦થી વધુ બાળકોના કરુણ મોત અને ૫૩,૦૦૦ શંકાસ્પદ કેસોએ સરહદ પાર મચાવ્યો ગભરાટ : ૨૦૨૬ સુધીમાં ૫૦ લાખ બાળકો પર જોખમની લટકતી તલવાર

ઢાકા:   બાંગ્લાદેશમાં હાલ ઓરીએ  વિનાશક સ્વરૂપ ધારણ કર્યું છે, જેના કારણે આરોગ્ય તંત્રના પાયા હચમચી ગયા છે. સરકારી આંકડા મુજબ ૪૫૦ થી વધુ માસૂમ બાળકો આ રોગનો શિકાર બન્યા છે, જેનું મુખ્ય કારણ વાયરસ કરતા પણ વધુ 'રસીકરણનો અભાવ' ગણાવાઈ રહ્યો છે. લેન્સેટના અહેવાલ મુજબ, બાંગ્લાદેશમાં લાખો બાળકોને રસીનો એક પણ ડોઝ મળ્યો નથી, જેના કારણે તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી છે. આ વાયરસ એટલો ચેપી છે કે જો કોઈ અસુરક્ષિત વ્યક્તિ ચેપગ્રસ્ત દર્દીના સંપર્કમાં આવે, તો ૧૦ માંથી ૯ લોકોને ચેપ લાગવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે.

ઓરીના લક્ષણો સામાન્ય તાવ કે ફોલ્લીઓ જેવા દેખાય છે, પરંતુ તે અંધત્વ, મગજમાં સોજો (એન્સેફાલીટીસ) અને જીવલેણ ન્યુમોનિયા જેવી ગંભીર ગૂંચવણો પેદા કરી શકે છે. આ વાયરસ હવામાં ફેલાય છે; જો કોઈ ચેપગ્રસ્ત વ્યક્તિ રૂમ છોડીને જતી રહે, તો પણ તેના બે કલાક પછી ત્યાં આવનાર વ્યક્તિને ચેપ લાગી શકે છે. ખાસ કરીને કુપોષિત બાળકો અને વિટામિન-A ની ઉણપ ધરાવતા બાળકો માટે આ રોગ મૌતનો પયગામ બનીને આવે છે. ૨૦૨૪ માં વિશ્વભરમાં અંદાજે ૧.૧ કરોડ લોકો ઓરીથી સંક્રમિત થયા છે, જે દર્શાવે છે કે આધુનિક યુગમાં પણ આ રોગચાળો હજુ કાબૂ બહાર છે.

નિષ્ણાતોના મતે, ઓરી સામે લડવા માટે રસીકરણ એ જ એકમાત્ર અને સૌથી અસરકારક શસ્ત્ર છે. ૧૯૬૦ ના દાયકાથી ઉપલબ્ધ આ રસી સલામત અને સસ્તી હોવા છતાં, બાંગ્લાદેશના ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં રસીકરણનો મોટો તફાવત જોવા મળ્યો છે. WHO અને યુનિસેફે ચેતવણી આપી છે કે જો સમયસર મોટા પાયે રસીકરણ ઝુંબેશ ચલાવવામાં નહીં આવે, તો મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. દુનિયાભરમાં થતા ઓરીના ૯૫% મોત નબળા આરોગ્ય માળખાવાળા દેશોમાં થાય છે, જે રસીકરણની અનિવાર્યતા પર ભાર મૂકે છે.

(8:33 PM IST)