<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

MBA પાસ યુવાને ₹25 લાખનું પેકેજ લાત મારી અપનાવ્યો સ્ટીયરિંગનો સાથ, આજે છે કરોડોના ટર્નઓવરનો માલિક

કોર્પોરેટ ગુલામી છોડી ટેક્સી ડ્રાઈવર બનતા પરિવારે માર્યા હતા મહેણાં : ત્રણ જ વર્ષમાં ઉભો કર્યો 12 વાહનોનો કાફલો : દર મહિને ₹6.5 લાખની કમાણી સાથે 'ઓલા' બિઝનેસમાં મચાવી ધૂમ

બેંગલુરુ: આજના યુગમાં જ્યારે ડિગ્રી હોવા છતાં લોકો નોકરી માટે ભટકે છે, ત્યારે એક MBA ગ્રેજ્યુએટની આ વાર્તા સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી રહી છે. ટિયર-2 કોલેજમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યા બાદ આ યુવાનને વાર્ષિક ₹25 લાખના આકર્ષક પગારની ઓફર મળી હતી. કોઈપણ મધ્યમવર્ગીય પરિવાર માટે આ સપનું સાકાર થવા જેવી વાત હતી, પરંતુ આ યુવાને એસી ઓફિસની આરામદાયક નોકરીને બદલે રસ્તા પર ટેક્સી ચલાવવાનો પડકારજનક રસ્તો પસંદ કર્યો. તેને કોર્પોરેટ જગતના લાંબા કલાકો અને કામના દબાણ કરતા પોતાની આઝાદી અને માનસિક શાંતિ વધુ વહાલી હતી, જે નિર્ણય સાંભળીને તેના સગા-સંબંધીઓએ તેને ભારે ટોણા માર્યા હતા.

શરૂઆતમાં ઓલા ડ્રાઈવર તરીકે કામ શરૂ કરનાર આ યુવાન માટે સફર સરળ નહોતી. લોકો તેને 'ભણેલો-ગણેલો ડ્રાઈવર' કહીને હસતા હતા, પરંતુ તેણે લોકોની વાતો પર ધ્યાન આપવાને બદલે પોતાના બિઝનેસ પ્લાન પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેણે ડ્રાઈવિંગને માત્ર મજૂરી નહીં પણ એક વ્યવસાય તરીકે જોવાનું શરૂ કર્યું. દિવસ-રાત મહેનત કરીને તેણે જે બચત કરી, તેનાથી તેણે એક પછી એક નવી કાર ખરીદવાનું શરૂ કર્યું. ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં, તેની પાસે આજે 12 લક્ઝરી વાહનોનો કાફલો છે અને તેણે અન્ય ડ્રાઈવરોને પણ રોજગારી આપી છે. આજે તેની માસિક કમાણી ₹6.5 લાખને આંબી ગઈ છે, જે તેની અગાઉની નોકરીના વાર્ષિક પગાર કરતા પણ વધુ છે.

આ સફળતાની વાર્તા સાબિત કરે છે કે કોઈ પણ કામ નાનું નથી હોતું, બસ તેને કરવાની દ્રષ્ટિ મોટી હોવી જોઈએ. જે યુવાને સ્વતંત્રતા અને આત્મનિર્ભરતા માટે ₹25 લાખની નોકરી ઠુકરાવી હતી, તે આજે એક સફળ ઉદ્યોગપતિ (એન્ટરપ્રિન્યોર) તરીકે ઉભરી આવ્યો છે. તેની આ સફર એવા હજારો યુવાનો માટે પ્રેરણારૂપ છે જેઓ માત્ર નોકરીના જોખમે જીવવાને બદલે કંઈક નવું કરવા માંગે છે. ડિજિટલ પ્લેટફોર્મનો સ્માર્ટ ઉપયોગ અને વ્યવસાયિક અભિગમે એક સામાન્ય ડ્રાઈવરને આજે લખપતિ બનાવી દીધો છે.

(5:57 PM IST)