<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

માયાવતી પોતાના ઉત્તરાધિકારી અંગે ધર્મને સંકટમાં! આકાશ આનંદ સામે ત્રીજી વાર આકરાં પગલાં લેતાં બસપાના રાજકારણમાં મોટો ગરમાવો!

ઉત્તર પ્રદેશ ચૂંટણી પહેલા માયાવતીનો ભત્રીજા આકાશ આનંદ પર ચોંકાવનારો પ્રહાર: "હજુ પરિપક્વતા નથી" કહીને તમામ મહત્વના પદો પરથી મુક્ત કર્યા

લખનૌ | તા.૦૩: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બહુજન સમાજ પાર્ટી (BSP) ના આંતરિક રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે. બસપા સુપ્રિમો માયાવતીએ તેમના ભત્રીજા અને પક્ષના રાષ્ટ્રીય સંયોજક આકાશ આનંદ સામે ત્રીજી વખત આકરી કાર્યવાહી કરતાં રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. માયાવતીના આ ચોંકાવનારા નિર્ણયથી પક્ષના કાર્યકરોમાં એ સવાલ ઘેરો બન્યો છે કે શું માયાવતી પોતાના રાજકીય ઉત્તરાધિકારી અંગે ભારે મૂંઝવણમાં છે?

એક મહત્વપૂર્ણ બેઠક દરમિયાન માયાવતીએ આકાશ આનંદ અંગે તીખી ટિપ્પણીઓ કરતાં સ્પષ્ટ કર્યું હતું કે, આકાશમાં હજુ રાજકીય પરિપક્વતાનો અભાવ છે અને તેમને હાલ કોઈ મોટી જવાબદારી સોંપી શકાય તેમ નથી. આ સાથે જ આકાશ આનંદ પાસેથી તેમના તમામ પદો આંચકી લેવામાં આવ્યા છે. આ તીખા પ્રહાર બાદ આકાશે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી તમામ હોદ્દા હટાવીને માત્ર 'બસપા કાર્યકર' તરીકેની ઓળખ લખી દીધી છે.

રાજકીય વિશ્લેષકોના મતે, આ વારંવારની કાર્યવાહી પાછળ કૌટુંબિક ઝઘડાઓની સાથે સાથે માયાવતીનો એક સ્પષ્ટ સંદેશ પણ છુપાયેલો છે. માયાવતી પક્ષના નેતાઓ અને કાર્યકરોને એ સાબિત કરવા માંગે છે કે બસપામાં આખરી નિર્ણયો માત્ર તેમના જ રહેશે અને તેમનો કોઈ વિકલ્પ નથી. આકાશ આનંદ સતત ભાજપ, સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ પર પ્રહારો કરીને આક્રમક રીતે આગળ વધી રહ્યા હતા, પરંતુ માયાવતીના આ ત્રીજા આંચકાથી તેમની રાજકીય કારકિર્દી પર ફરી એકવાર ગ્રહણ લાગી ગયું છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ મે ૨૦૨૪ની લોકસભા ચૂંટણી દરમિયાન માયાવતીએ પ્રથમવાર આકાશને પદભ્રષ્ટ કર્યા હતા. ત્યારબાદ જૂન ૨૦૨૪માં તેમની વાપસી થઈ હતી, પરંતુ માર્ચ ૨૦૨૫માં ફરી તેમને તમામ પદો પરથી દૂર કરી પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. એપ્રિલ ૨૦૨૫માં આકાશે જાહેરમાં માફી માંગીને માયાવતીને પોતાના ગુરુ ગણાવ્યા બાદ મે ૨૦૨૫માં તેમને મુખ્ય રાષ્ટ્રીય સંયોજક બનાવાયા હતા. પરંતુ હવે, ફરી એકવાર આકાશ આનંદ બસપા સુપ્રિમોનો સંપૂર્ણ વિશ્વાસ જીતવામાં નિષ્ફળ રહ્યા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

(3:55 PM IST)