તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th October 2026
બોમ્બે હાઈકોર્ટમાં ખોટા દસ્તાવેજો રજૂ કરી ન્યાયતંત્રને ગેરમાર્ગે દોરવાના કેસમાં માટુંગા પોલીસે મહિલા સામેં નોંધી એફઆઈઆર
વૈવાહિક વિવાદના કેસમાં કોર્ટના આદેશ સાથે છેડછાડ કરી બનાવટી હુકમ હાઈકોર્ટમાં રજૂ કરવા બદલ ડેલનાઝ અંકલેસરિયા અને અન્ય સંબંધિતો સામે કાયદેસરની કાર્યવાહી

મુંબઈ : મુંબઈના માટુંગા પોલીસ સ્ટેશન દ્વારા બોમ્બે હાઈકોર્ટ સમક્ષ કથિત રીતે ન્યાયિક આદેશમાં છેડછાડ કરીને બનાવટી દસ્તાવેજ રજૂ કરવા અને અદાલતને ગેરમાર્ગે દોરવાના ગંભીર આરોપસર એક મહિલા તથા અન્ય સંડોવાયેલા શખ્સો સામે સત્તાવાર રીતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદી એરિક જીમી અંકલેસરિયા અને તેમની પત્ની ડેલનાઝ અંકલેસરિયા વચ્ચે લાંબા સમયથી કૌટુંબિક અને વૈવાહિક વિવાદો ચાલી રહ્યા છે, જેના સંદર્ભમાં અગાઉ કુર્લા કોર્ટ અને ફેમિલી કોર્ટમાં વિવિધ કાનૂની કાર્યવાહી ચાલી રહી હતી અને બાળકના કબજા મામલે પણ આદેશો થયા હતા.
ઘટનાની વિગતવાર માહિતી મુજબ, પત્ની ડેલનાઝ દ્વારા કુર્લા કોર્ટના આદેશને પડકારતી એક રિટ પિટિશન બોમ્બે હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી, જેમાં હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન રજૂ કરાયેલા દસ્તાવેજોમાં કુર્લા કોર્ટનો ૧૫ નવેમ્બર, ૨૦૨૫નો એક કથિત આદેશ જોડવામાં આવ્યો હતો.
ફરિયાદીના વકીલો દ્વારા જ્યારે હાઈકોર્ટમાં આ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી ત્યારે શંકા ગઈ હતી, અને બાદમાં કુર્લા કોર્ટના સત્તાવાર રેકોર્ડની તપાસ કરતા સાબિત થયું હતું કે તે તારીખનો કોઈ પણ અધિકૃત કે સહી થયેલો આદેશ ન્યાયતંત્રના રેકોર્ડમાં અસ્તિત્વમાં જ ન હતો.
કોર્ટના અસલી રેકોર્ડ અને નકલો મેળવીને તપાસ કરતાં કથિત દસ્તાવેજ બનાવટી હોવાનું સ્પષ્ટ થતાં, ફરિયાદી દ્વારા માટુંગા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપવામાં આવી હતી, જેના આધારે પોલીસે ફોજદારી ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.
પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર નોંધીને કાવતરાના આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે, અને આગામી સમયમાં આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય વ્યક્તિઓની પણ પૂછપરછ કરવામાં આવશે.
(11:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
