તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th May 2026
તમિલનાડુમાં 'થલપથી' વિજયનો માસ્ટરપ્લાન: સત્તાના સિંહાસન માટે જંગ જામ્યો : ધારાસભ્યોને રિસોર્ટમાં કેદ કરાયા!
DMK-AIADMK ના 62 વર્ષ જૂના ગઢને તોડ્યા બાદ હવે સરકાર બનાવવા માટે વિજયે લગાવી એડીચોટીનું જોર: કોંગ્રેસના સાથ બાદ હવે અન્ય પક્ષો પર નજર: પક્ષપલટાના ડરથી એડાપ્પાડી પલાનીસ્વામીએ પોતાના 28 ધારાસભ્યોને પુડુચેરીના ખાનગી રિસોર્ટમાં ખસેડ્યા

નવી દિલ્હી : તમિલનાડુના રાજકારણમાં અત્યારે ફિલ્મી પડદા જેવો હાઈ-વોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે. અભિનેતામાંથી નેતા બનેલા વિજયની પાર્ટી 'તમિલનાડુ વેત્રી કઝગમ' (TVK) એ 108 બેઠકો જીતીને ઈતિહાસ તો રચ્યો છે, પરંતુ સત્તાની જાદુઈ સંખ્યા 118 સુધી પહોંચવા માટે હજુ 10 ધારાસભ્યોની ખેંચતાણ ચાલી રહી છે. વિજયે હવે ટી.ટી.વી. દિનાકરનની પાર્ટીના ધારાસભ્ય કામરાજ એસ.નો સંપર્ક સાધ્યો છે. બીજી તરફ, રાજ્યપાલ આર.વી. આર્લેકર અને વિજય વચ્ચે બેઠકોનો દોર ચાલુ છે, પરંતુ રાજ્યપાલ સ્પષ્ટ બહુમતી વિના શપથ લેવડાવવા તૈયાર નથી, જેને કારણે રાજકીય મડાગાંઠ વધુ ઘેરી બની છે.
રાજકીય ગરમાવો વધતા જ વિપક્ષોમાં ફફડાટ ફેલાયો છે. ખાસ કરીને AIADMK ને ડર છે કે વિજયની લોકપ્રિયતા અને સત્તાના લોભમાં તેમના ધારાસભ્યો પક્ષપલટો કરી શકે છે. આથી જ સાવચેતીના ભાગરૂપે એડાપ્પાડી કે. પલાનીસ્વામીએ પોતાના 28 ધારાસભ્યોને પુડુચેરીના પુરનકુપ્પમના એક લક્ઝરી રિસોર્ટમાં 'નજરકેદ' કરી દીધા છે. 'રિસોર્ટ પોલિટિક્સ'ના આ જંગમાં DMK એ પણ પોતાના ધારાસભ્યોને ચેન્નાઈ ન છોડવા કડક આદેશ આપ્યા છે. એમકે સ્ટાલિને જોકે પોતાના સાથી પક્ષોને નિર્ણય લેવાની છૂટ આપી છે, જે વિજય માટે આશાનું કિરણ ગણાય છે.
આગામી 24 કલાક તમિલનાડુના ભાવિ માટે નિર્ણાયક સાબિત થશે. કોંગ્રેસે પાંચ ધારાસભ્યો સાથે સમર્થન જાહેર કરી દીધું છે, ત્યારે હવે બધો જ દારોમદાર VCK અને ડાબેરી પક્ષોના નિર્ણય પર ટકેલો છે. જો શુક્રવારે યોજાનારી ઉચ્ચ સ્તરીય બેઠકોમાં વિજયને લીલી ઝંડી મળી જશે, તો દક્ષિણના રાજકારણમાં એક નવા યુગની શરૂઆત થશે. જોકે, રાજ્યપાલે શપથ લેતા પહેલા જ બહુમતી સાબિત કરવાની શરત મૂકી હોવાથી વિજય માટે આ રસ્તો કાંડા કાપવા જેવો સાબિત થઈ રહ્યો છે. આખા દેશની નજર અત્યારે ચેન્નાઈના રાજભવન પર ટકેલી છે.
(10:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
