તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 5th October 2026
હજારો લોકોને ડિજિટલ જાળમાં ફસાવનાર માસ્ટરમાઇન્ડ ઝબ્બે: સાયબર ઠગાઈ માટે બોગસ APK ફાઇલ બનાવનારો સોફ્ટવેર ડેવલપર મુંબઈ પોલીસના સકંજામાં
મધ્ય પ્રદેશથી સંચાલિત રૂ. ૧૫.૭૫ કરોડના ઓનલાઈન રેકેટનો પર્દાફાશ, ૨,૮૦૫ નકલી એપ્લિકેશન બનાવી દેશભરમાં ૯,૬૭૩ નિર્દોષ નાગરિકોને શિકાર બનાવ્યા

મુંબઈ : સિનિયર સિટિઝનો સહિત દેશભરના હજારો નાગરિકોને પોતાની જાળમાં ફસાવી કરોડો રૂપિયાનો ચૂનો ચોપડનારા એક હાઇટેક સાયબર રેકેટનો મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના પ્રોપર્ટી સેલે પર્દાફાશ કર્યો છે. મધ્ય પ્રદેશથી સાયબર ગુનેગારોને બોગસ APK ફાઇલો ડેવલપ કરીને વેચતા ૩૫ વર્ષીય સોફ્ટવેર ડેવલપર પંકજ ગુપ્તાની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ બનાવેલી ૨,૮૦૫ નકલી એપ્લિકેશન્સનો ઉપયોગ કરીને સાયબર માફિયાઓએ સમગ્ર ભારતમાં ૯,૬૭૩ લોકો સાથે રૂ. ૧૫.૭૫ કરોડની ભયાનક ઠગાઈ આચરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
આ સમગ્ર કૌભાંડનો ખુલાસો ભાયખલા વિસ્તારમાં રહેતા ૭૨ વર્ષીય વૃદ્ધ સાથે થયેલી રૂ. ૫.૬૨ લાખની છેતરપિંડી બાદ થયો હતો. ૧૩ ઑગસ્ટ, ૨૦૨૬ના રોજ અજાણ્યા ઠગે પોતાને રાષ્ટ્રીયકૃત બેંકના સિનિયર મેનેજર દિનેશ કુમાર તરીકે ઓળખાવી વૃદ્ધનો વિશ્વાસ જીત્યો હતો. આરોપીએ સિનિયર સિટિઝન કાર્ડ બનાવી આપવાની લાલચ આપી વ્હૉટ્સઍપ પર એક બોગસ APK ફાઇલ મોકલી હતી. આ ફાઇલ ડાઉનલોડ કરાવીને ડેબિટ કાર્ડની વિગતો મેળવીને વૃદ્ધના ખાતામાંથી રૂ. ૫.૬૨ લાખ પડાવી લેવાયા હતા.
પીડિત વૃદ્ધની ફરિયાદના આધારે ભાયખલા પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના પ્રોપર્ટી સેલને સોંપવામાં આવી હતી. તપાસ અધિકારીઓએ ફિશિંગ APK ફાઇલ અને ટેકનિકલ ડેટાનો બારીકાઈથી અભ્યાસ કરીને ડિજિટલ ફુટપ્રિન્ટ્સ ટ્રેક કર્યા હતા. મધ્ય પ્રદેશ ખાતે લોકેશન મળતાં પોલીસ ટીમે ત્વરિત દરોડો પાડીને મુખ્ય સૂત્રધાર પંકજ ગુપ્તાને ઝડપી લીધો હતો. સ્થળ પરથી હાર્ડડિસ્ક, પેન ડ્રાઇવ, વાય-ફાય રાઉટર અને ત્રણ સ્માર્ટફોન સહિતનો શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
પોલીસની આકરી પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપી ખૂબ જ શાતિર મગજ ધરાવતો સોફ્ટવેર એન્જિનિયર છે. તે પોતાની ઓળખ છુપાવવા માટે વિવિધ સર્વર પ્રોવાઇડર કંપનીઓ પાસેથી અલગ-અલગ વર્ચ્યુઅલ સર્વર્સ ખરીદતો હતો. તે નકલી બેંકિંગ અને ગવર્નમેન્ટ સ્કીમના નામે APK ફાઇલો તૈયાર કરીને સાયબર ક્રિમિનલ્સને વેચતો હતો. આ ફાઇલ્સ બેંકિંગ ડેટા અને વન ટાઇમ પાસવર્ડ (OTP) હેક કરી લેવા માટે ખાસ ડિઝાઇન કરવામાં આવતી હતી.
આંતરરાજ્ય સ્તરના આ સાયબર કૌભાંડની જાળ સમગ્ર દેશમાં ફેલાયેલી હતી. સાયબર હેલ્પલાઇન અને પોર્ટલના આંકડા મુજબ આ મોડ્યુલ સામે મહારાષ્ટ્રમાં ૧૪૩ અને મુંબઈમાં ૩૬ ફરિયાદો મળી હતી. જે અંતર્ગત મહારાષ્ટ્રમાં ૮૮ અને મુંબઈમાં ૫ અલગ-અલગ એફઆઈઆર (FIR) નોંધાયેલી છે. આરોપી ગુપ્તા માત્ર વાયરસ જેવી ફાઇલો બનાવતો નહોતો, પરંતુ સાયબર ગેંગ્સને ટેકનિકલ સપોર્ટ પણ પૂરો પાડતો હતો, જેના બદલામાં તે કમિશન મેળવતો હતો.
હાલમાં મુંબઈ પોલીસ આરોપીના રિમાન્ડ મેળવીને તેની સાથે જોડાયેલા અન્ય સાયબર ગુનેગારો અને કોલ સેન્ટર નેટવર્કને પકડવા ચક્રગતિમાન કર્યા છે. જપ્ત કરાયેલા ડિજિટલ સાધનોને ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા છે જેથી અન્ય કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શનની વિગતો મેળવી શકાય. મુંબઈ પોલીસે નાગરિકોને અજાણ્યા નંબરો પરથી આવતી વ્હૉટ્સઍપ લિંક કે APK ફાઇલો ડાઉનલોડ ન કરવા અને માત્ર સત્તાવાર પ્લેસ્ટોર કે ઍપસ્ટોરનો જ ઉપયોગ કરવા કડક અપીલ કરી છે.
(8:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
