<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd September 2026

હોર્મુઝના હુમલાઓનો અમેરિકાનો પ્રચંડ જવાબ: ઇરાનના હવાઈ સંરક્ષણ, રડાર, દરિયાઈ અને માઇન ક્ષમતાઓ પર જોરદાર પ્રહાર: બંદર અબ્બાસથી ચાબહાર સુધી ધડાકાઓ: અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે ઇરાની રિવોલ્યુશનરી ગાર્ડના અનેક લશ્કરી લક્ષ્યોને નિશાન બનાવ્યા

વોશિંગ્ટન-તેહરાન, તા. ૨ : અમેરિકાએ ઇરાનમાં નવી હવાઈ કાર્યવાહી પૂર્ણ કર્યાનું જાહેર કરી હવાઈ સંરક્ષણ, રડાર, દરિયાઈ સુવિધાઓ, માઇન નાખવાની ક્ષમતા અને સંચાર કેન્દ્રોને નિશાન બનાવ્યાં છે.

 

અમેરિકા અને ઇરાન વચ્ચે ફરી સીધી લશ્કરી અથડામણ ભડકી છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે ઇરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડના વિવિધ લશ્કરી લક્ષ્યો સામે હુમલાની નવી લહેર પૂર્ણ કરી હોવાની જાહેરાત કરી છે.

 

અમેરિકાના જણાવ્યા પ્રમાણે હુમલામાં ઇરાનની હવાઈ સંરક્ષણ વ્યવસ્થા, રડાર પ્રણાલી, દરિયાઈ લશ્કરી સાધનો અને સુવિધાઓ, દરિયામાં માઇન નાખવાની ક્ષમતા તથા સંચાર સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. 

 

અમેરિકાએ જણાવ્યું કે હોર્મુઝની સામુદ્રધુનીમાં વેપારી જહાજો તથા મધ્ય પૂર્વમાં તૈનાત અમેરિકી સૈનિકો સામે તાજેતરમાં થયેલા પ્રયાસોના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.

 

ઇરાન તરફથી મળેલા અહેવાલોમાં બંદર અબ્બાસ, કેશ્મ ટાપુ, સિરિક, ચાબહાર, કોનારક સહિત અનેક દક્ષિણ વિસ્તારોમાં વિસ્ફોટોના અવાજ સાંભળ્યાનું જણાવાયું છે. કર્માન પ્રાંતના જીરોફ્ટ એરપોર્ટને પણ નિશાન બનાવાયાનું ઇરાની સરકારી માધ્યમોએ જણાવ્યું.

 

અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ મુજબ મધ્ય પૂર્વમાં હાલમાં ૫૦ હજારથી વધુ અમેરિકી સૈનિકો કાર્યરત છે. હોર્મુઝના અત્યંત મહત્વપૂર્ણ તેલ પરિવહન માર્ગ પર ફરી યુદ્ધ ભડકતાં વૈશ્વિક તેલ બજારમાં પણ ચિંતા વધી છે.

(9:46 AM IST)