News of Monday, 16th November 2026
થાઈલેન્ડના પ્રખ્યાત પ્રવાસન સ્થળ પટૉંગમાં ભીષણ આગ: ૧૧ લોકોના કરૂણ મોત, અનેક ઈજાગ્રસ્ત
વાહનોના રેન્ટલ શોરૂમમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસની ઇમારતો પણ ઝપેટમાં આવી; શ્વાસ રૂંધાવાથી થઈ વધુ જાનહાનિ

બેંગકોક: થાઈલેન્ડના જાણીતા અને લોકપ્રિય પ્રવાસન ટાપુ ફૂકેટ (Phuket) ખાતે આવેલા પટૉંગ (Patong) વિસ્તારમાં સોમવારે વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. વાહન ભાડે આપવાના વ્યવસાય સાથે જોડાયેલી એક કોમર્શિયલ બિલ્ડિંગમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ૧૧ લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે ૧૬ થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
વહેલી સવારે મચી અફરાતફરી
સ્થાનિક તંત્ર અને પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના સોમવારે વહેલી સવારે અંદાજે ૩:૧૭ થી ૩:૨૫ વાગ્યાની આસપાસ પટૉંગ બીચ નજીક આવેલા પાંગ મુઆંગ સાઈ કોર રોડ પર બની હતી. આગ સૌપ્રથમ ગ્રાઉન્ડ ફ્લોર પર વાહનોના રેન્ટલ બિઝનેસ અને પાર્કિંગ ધરાવતી ઇમારતમાં લાગી હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર અંદાજે ૧૦૦ જેટલા મોટરસાઇકલ, રબરના ટાયર્સ અને જ્વલનશીલ સામગ્રી પડેલી હોવાને કારણે આગે ક્ષણભરમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આસપાસની અન્ય ઇમારતોને પણ પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. આગને કારણે ફેલાયેલા ઘાટા અને ઝેરી ધુમાડાના કારણે સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
૧૦ લોકોના મૃતદેહ ઉપરના માળેથી મળ્યા
ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. આશરે બે કલાકની ભારે જહેમત બાદ ફાયર કર્મીઓએ આગ પર કાબૂ મેળવ્યો હતો. સર્ચ ઓપરેશન દરમિયાન અધિકારીઓને મોટાભાગના મૃત્યુ ગૂંગળામણ (સ્મોક ઇનહેલેશન) ના કારણે થયા હોવાનું જાણવા મળ્યું હતું. મૃત્યુ પામનારાઓમાં ૮ મહિલાઓ અને ૩ પુરુષો સામે સામેલ છે, જેમાંથી ૧૦ લોકોના શબ બિલ્ડિંગના ૫મા માળે આવેલા રૂમ અને સીડીઓ પરથી મળી આવ્યા હતા, જ્યારે ૧ વ્યક્તિનો મૃતદેહ ત્રીજા માળેથી મળ્યો હતો.
પ્રવાસીઓ સુરક્ષિત, સ્થાનિક નાગરિકોનો ભોગ લેવાયો
આ દુર્ઘટના અંગે રાહતના સમાચાર એ છે કે મૃતકો કે ઇજાગ્રસ્તોમાં કોઈ વિદેશી પ્રવાસીઓ સામેલ નથી. પોલીસના જણાવ્યા મુજબ, ઈજાગ્રસ્ત થયેલા ૧૬ લોકોમાંથી ૧૫ લોકો થાઈલેન્ડના સ્થાનિક નાગરિકો છે અને ૧ વ્યક્તિ મ્યાનમારની છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની પટૉંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટ કારણભૂત
ફૂકેટના ગવર્નર ચોટિનરીન કેર્ડસોમ અને પટૉંગ મ્યુનિસિપાલિટીના ડેપ્યુટી મેયર સાનાકોર્ન કેસીને ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. પ્રાથમિક તપાસમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે વરસાદી વાતાવરણ વચ્ચે બિલ્ડિંગની બહાર આવેલા વીજળીના પોલ પર થયેલા શોર્ટ સર્કિટના કારણે તણખા સીધા પાર્કિંગ એરિયામાં પડ્યા હતા, જેના કારણે આ હોનારત સર્જાઈ હતી. જો કે, પોલીસ અને ફોરેન્સિક ટીમ દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા માટે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. અગાઉ બેંગકોક ખાતે પણ એક બારમાં લાગેલી આગમાં મોટી જાનહાનિ થઈ હતી, જેના પગલે થાઈલેન્ડમાં ફરી એકવાર વાણિજ્યિક ઇમારતોની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે.
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
