<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

થાણે પશ્ચિમના ઘોડબંદર રોડ પર ભીષણ અગ્નિકાંડ: ત્રણ દુકાનો બળીને ખાખ, લાખોનું નુકસાન પરંતુ મોટી જાનહાનિ ટળી!

થાણે પશ્ચિમ વિસ્તારમાં આવેલા ઘોડબંદર રોડ પર ગુરુવારે વહેલી સવારે એક રહેણાંક ઇમારત નજીક આવેલી ત્રણ દુકાનોમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.

થાણે : મહારાષ્ટ્રના થાણે (પશ્ચિમ) વિસ્તારમાંથી વહેલી સવારે આગ લાગવાની એક મોટી દુર્ઘટના સામે આવી છે. ઘોડબંદર રોડ પર આવેલી ચિતળસર માનપાડા નાકા નજીક હિલ ક્રિસ્ટ સોસાયટી પાસે રહેણાંક ઈમારતની બાજુમાં સ્થિત ત્રણ મોટો દુકાનો (ગાળા) માં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. ગુરુવારે વહેલી સવારે આશરે ૪:૨૦ વાગ્યાના સુમારે લાગેલી આ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે સ્થાનિક રહીશોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો.

 

આગની ઘટનાની જાણ થતાં જ થાણે ડિઝાસ્ટર કંટ્રોલ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ સવારે ૫:૩૦ વાગ્યા સુધીમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. જોકે, આગ ફરી ન ભડકે તે માટે મોડે સુધી કૂલિંગ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું હતું.

 

થાણે ડિઝાસ્ટર કંટ્રોલ દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ, આગની આ ઘટનામાં આશરે ૫૦૦ સ્કવેર ફૂટમાં આવેલું 'માતેશ્વરી થ્રી ડી આર્ટ' નામનું લેસર કટિંગ સર્વિસ યુનિટ સંપૂર્ણપણે ખાખ થઈ ગયું છે. આ ઉપરાંત, ૧,૫૦૦ સ્કવેર ફૂટ અને ૯૦૦ સ્કવેર ફૂટના વિશાળ ક્ષેત્રફળ ધરાવતી સિરામિક, ઘરવપરાશની વસ્તુઓ તથા ટાઇલ્સ વેચતી અન્ય બે દુકાનો પણ આ ભીષણ આગની લપેટમાં આવી જતાં મોટું આર્થિક નુકસાન થયું છે.

 

આ અકસ્માતમાં લાખો રૂપિયાનો માલસામાન સળગીને રાખ થઈ ગયો હોવા છતાં, સૌથી મોટી રાહતની વાત એ રહી છે કે વહેલી સવારે ઘટના બની હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈ વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ નથી. શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણોસર આગ લાગી છે કે કેમ તે અંગે સ્થાનિક પોલીસ અને તંત્ર દ્વારા વધુ સઘન તપાસ ચલાવવામાં આવી રહી છે.

 

(7:42 PM IST)