તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 18th May 2026
પ્રયાગરાજની લક્ઝુરિયસ હોટલમાં ટ્રાન્સફોર્મર ફાટતાં ભીષણ આગ: ત્રીજા માળ સુધી પહોંચી મોતની જ્વાળાઓ, ૧૩ લોકો અંદર ફસાયા બાદ હાઇડ્રોલિક મશીનો વડે દિલધડક રેસ્ક્યુ
સિવિલ લાઇન્સની 'વિઠ્ઠલ હોટેલ' આખી ઇમારત ધુમાડાના ગોટેગોટામાં ફેરવાઈ; સીએમ યોગી આદિત્યનાથે પોતે સંભાળ્યો મોરચો, અધિકારીઓને તાત્કાલિક બચાવ કામગીરીના આદેશ આપ્યા

પ્રયાગરાજ, તા.૧૮: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ (અલ્હાબાદ) ના સૌથી પોશ વિસ્તાર ગણાતા સિવિલ લાઇન્સમાં સોમવારે બપોરે એક હૃદયધ્રુજાવનારી ઘટના સામે આવી છે. અહીં આવેલી પ્રખ્યાત 'વિઠ્ઠલ હોટેલ' (Hotel Vitthal) ની બહાર જોરદાર ધડાકા સાથે ટ્રાન્સફોર્મર ફાટતાં હોટલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે જોતજોતામાં આખી ઇમારત લપેટમાં આવી ગઈ હતી અને ચારેય તરફ ચીસાચીસ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ભયાનક દુર્ઘટના સમયે હોટલની અંદર અનેક પ્રવાસીઓ ફસાયા હતા, જેમાંથી ૧૩ લોકોને ફાયર બ્રિગેડની ટીમે પોતાની જાન જોખમમાં મૂકીને ફિલ્મી ઢબે હેમખેમ બહાર કાઢ્યા છે.
બપોરે ૧:૩૦ વાગ્યે ધડાકો થયો અને આખી હોટલ આગનો ગોળો બની
પ્રત્યક્ષદર્શીઓ અને પોલીસના અહેવાલો અનુસાર, આ કાળજાળ ગરમી વચ્ચે સોમવારે બપોરે આશરે ૧:૩૦ વાગ્યે હોટલની બિલકુલ નજીક આવેલા બે મોટા પાવર ટ્રાન્સફોર્મરમાંથી એક ટ્રાન્સફોર્મર ઓવરહિટીંગના કારણે અચાનક પ્રચંડ વિસ્ફોટ સાથે ફાટ્યું હતું. આ બ્લાસ્ટ એટલો ખતરનાક હતો કે તેની આગની લપેટ સીધી હોટલના ત્રીજા માળે પહોંચી ગઈ હતી.
જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને નજીકમાં આવેલા 'પ્રેમ પુષ્પ પ્લાઝા'ના ત્રીજા માળને પણ પોતાની ઝપેટમાં લઈ લીધો હતો. હોટલની નીચે પાર્ક કરેલી બે મોટરસાયકલો પણ બળીને ખાખ થઈ ગઈ હતી. કાળો ડિબાંગ ધુમાડો અને ઉંચી જ્વાળાઓ જોઈને આસપાસના લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.
જાગૃત નાગરિકની સમયસૂચકતા અને ફાયર બ્રિગેડનું દિલધડક ઓપરેશન
હોટલની અંદર ધુમાડો ભરાઈ જતાં અંદર રોકાયેલા લોકો રૂમમાં જ કેદ થઈ ગયા હતા અને બારીઓમાંથી બચાવો-બચાવોની બૂમો પાડવા લાગ્યા હતા. આ હંગામો સાંભળીને નજીકમાં જ હાજર વાણી પ્રકાશનના યોગેન્દ્ર યાદવે સહેજ પણ સમય બગાડ્યા વિના તાત્કાલિક ફાયર બ્રિગેડ અને લોકલ પોલીસને ફોન કરીને જાણ કરી દીધી હતી.
માહિતી મળતા જ ફાયર ફાઈટરોનો મોટો કાફલો ઘટનાસ્થળે ધસી આવ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતા જોઈને મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી ખાસ હાઇડ્રોલિક મશીનો અને ક્રેન મંગાવવામાં આવી હતી. બારીઓ તોડીને, હાઇડ્રોલિક લિફ્ટની મદદથી પાણીનો ભારે છંટકાવ કરીને એક-એક કરીને અંદર ફસાયેલા તમામ ૧૩ પ્રવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયા હતા, જેનાથી મોટી જાનહાની ટળી હતી.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લીધી સીધી નોંધ
પ્રયાગરાજની હોટલમાં લાગેલી આ ભીષણ આગના સમાચાર લખનૌ સુધી પહોંચતા જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એક્શન મોડમાં આવ્યા હતા. તેમણે આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈને વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલિક મોરચો સંભાળવા આદેશ આપ્યા હતા.
સીએમ યોગીએ કડક સૂચના આપતા કહ્યું કે, "હોટલમાં ફસાયેલા દરેક નાગરિકનો જીવ કિંમતી છે, તમામને સુરક્ષિત બહાર કાઢવા માટે તમામ સંસાધનો લગાડીને રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે તેજ કરવામાં આવે." મુખ્યમંત્રીના આદેશ બાદ વહીવટી તંત્ર વધુ સક્રિય બન્યું હતું. હાલમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને શોર્ટ સર્કિટ કે ટ્રાન્સફોર્મર બ્લાસ્ટની ટેકનિકલ તપાસ શરૂ કરવામાં આવી છે.
(4:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
