<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

ચીનના શિપયાર્ડમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ: કાર્ગો જહાજમાં ૨૦ લોકોના કમકમાટીભર્યા મોત, પ ગંભીર રીતે દાઝી જતાં ઘાયલ!

કિંગદાઓ બેઈહાઈ શિપયાર્ડમાં મેન્ટેનન્સ ચાલી રહ્યું હતું ત્યારે જ વિદેશી જહાજ બન્યું ખાખ; રાષ્ટ્રપતિ શી જિનપિંગે તાત્કાલિક બચાવ કામગીરી અને કડક તપાસના આપ્યા આદેશ

બિજિંગ : ચીનના પૂર્વ ભાગમાં આવેલા શેનડોંગ પ્રાંતમાં એક અત્યંત ચોંકાવનારી અને દર્દનાક દુર્ઘટના સામે આવી છે. શિપયાર્ડ પર સમારકામ (મેન્ટેનન્સ) હેઠળ રહેલા એક વિદેશી ફ્લેગવાળા વિશાળ કાર્ગો જહાજમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં ૨૦ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે ૫ લોકો ગંભીર રીતે દાઝી જતાં ઈજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટનાને કારણે શિપયાર્ડ અને જહાજને જંગી આર્થિક નુકસાન પહોંચ્યું છે.

 

મેન્ટેનન્સ દરમિયાન કાળ બનીને ત્રાટકી આગ

 

મળતી માહિતી મુજબ, આ ગોઝારી ઘટના શેનડોંગ પ્રાંતના પ્રખ્યાત 'કિંગદાઓ બેઈહાઈ શિપયાર્ડ' ખાતે બની હતી. બંદરે લાંગરેલા અને જાળવણીનું કામ ચાલી રહ્યું હતું તેવા આ આંતરરાષ્ટ્રીય કાર્ગો જહાજમાં અચાનક આગની લાઈટો અને ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. જોતજોતામાં આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું કે અંદર કામ કરી રહેલા મજૂરો અને ક્રૂ મેમ્બર્સને બહાર નીકળવાની તક પણ મળી ન હતી. જાનહાનિના ચોક્કસ આંકડા અને આગ લાગવાના મૂળ કારણો અંગે ચીની એજન્સીઓ ઊંડી તપાસ કરી રહી છે.

 

શી જિનપિંગે આપ્યા ઈમરજન્સી આદેશો

 

આટલી મોટી દુર્ઘટનાની જાણ થતાં જ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વડાપ્રધાન લી કિયાંગે ત્વરિત પગલાં ભરતાં ઉચ્ચ સ્તરીય રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવાના નિર્દેશ આપ્યા છે. સરકારે ગુમ થયેલા લોકો માટે તાત્કાલિક શોધખોળ, ઘાયલોને શ્રેષ્ઠ તબીબી સારવાર પૂરી પાડવા અને આ બેદરકારી માટે જવાબદાર લોકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાના કડક આદેશો જારી કર્યા છે.

(6:22 PM IST)