તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th September 2026
વસઈ-વિરારના ભોઈડાપાડા ડમ્પિંગ ગ્રાઉન્ડમાં મોડી રાત્રે ભીષણ આગ: ૪૦ એકરમાં ફેલાયેલા કચરાના પહાડ સળગી ઊઠતા ધુમાડાના ગોટેગોટા છવાયા!
દૈનિક ૮૫૦ ટન કચરો ઠલવાતા ગ્રાઉન્ડમાં રાસાયણિક વાયુઓથી અચાનક લાગી આગ: આસપાસના રહેણાંક વિસ્તારોમાં પ્રદૂષણ ફેલાતાં સ્થાનિકોમાં ભારે ગભરાટ અને રોષ.

વસઈ : વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ આવતા ભોઈડાપાડા (ગોખીવરે, પૂર્વ વસઈ) સ્થિત ૪૦ એકરના વિશાળ ડમ્પિંગ ગ્રાઉન્ડમાં રવિવારે મોડી રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. રાત્રે આશરે ૧૦:૩૦ વાગ્યાની આસપાસ કચરાના વિશાળ ઢગલાઓમાં લાગી ગયેલી આગને કારણે આકાશમાં ધુમાડાના કાળા ગોટેગોટા ઉડવા લાગ્યા હતા, જેનાથી સમગ્ર વિસ્તારમાં ભય અને ચિંતાનું વાતાવરણ સર્જાયું હતું.
વસઈ-વિરાર વિસ્તારમાં થયેલા ઝડપી શહેરીકરણના કારણે કચરા નિકાલની સમસ્યા વિકરાળ બની છે. આ ડમ્પિંગ ગ્રાઉન્ડ પર દરરોજ ૮૫૦ ટનથી વધુ કચરો ઠાલવવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કચરાના પ્રોસેસિંગ અને ટ્રીટમેન્ટની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે અહીં કચરાના પહાડ ખડકાઈ ગયા છે. આ જમા થયેલા કચરામાં કુદરતી રીતે ઉત્પન્ન થતા રાસાયણિક અને મિથેન જેવા વાયુઓને કારણે અવારનવાર આગ લાગવાની ઘટનાઓ બને છે.
ઘટનાની જાણ થતાં જ મ્યુનિસિપલ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ભારે જહમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, કચરાના ઊંડાણપૂર્વકના ભાગોમાં આગ ધૂંધવાતી રહેવાના કારણે ઘટ્ટ ધુમાડો આસપાસના તમામ રહેણાંક વિસ્તારોમાં ફેલાઈ ગયો હતો. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, વારંવાર બનતી આ ઘટનાઓના કારણે વિસ્તારમાં ભારે વાયુ પ્રદૂષણ ફેલાય છે અને લોકોને શ્વાસ લેવામાં તકલીફ તથા આંખોમાં બળતરા જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
(7:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
