News of Thursday, 23rd April 2026
રાજસ્થાનના ચૂરુમાં ડમ્પર અને બોલેરો વચ્ચે પ્રચંડ ટક્કર બાદ ભીષણ આગ : જાનૈયાઓથી ભરેલી ગાડીમાં ૩ લોકો જીવતા ભૂંજાયા
પિલાણી-સાદુલપુર હાઈવે પર મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં ૫ લોકોની હાલત અત્યંત ગંભીર : અકસ્માત બાદ બંને વાહનોમાં આગ લાગતા અફરાતફરી મચી અને કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાયો

ચૂરુ:રાજસ્થાનના ચૂરુ જિલ્લામાં ગુરુવારે મોડી રાત્રે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પિલાણી-સાદુલપુર રોડ પર આવેલા થિરપાલી નાની અને થિરપાલી મોટી ગામ વચ્ચે રાત્રે ૧૦ વાગ્યાના સુમારે એક બોલેરો જીપ અને ડમ્પર વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે અકસ્માતની ગણતરીની મિનિટોમાં જ બંને વાહનોમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં બોલેરોમાં સવાર ૩ લોકો વાહનની અંદર જ જીવતા ભૂંજાયા હતા, જ્યારે અન્ય ૫ લોકો ગંભીર રીતે દાઝી જવાથી તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
લગ્નની ખુશી માતમના ફેરવાઈ:
પ્રાપ્ત વિગતો અનુસાર, બોલેરો જીપમાં સવાર લોકો સિધમુખ વિસ્તારમાંથી પિલાણી બારાત (જાન) માં જઈ રહ્યા હતા. અચાનક સામેથી આવતા ડમ્પર સાથે અકસ્માત સર્જાતા લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે ચીસાચીસ અને કરુણ દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદ માટે દોડી આવીને ઘાયલોને વાહનમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો.
પોલીસ અને ફાયર બ્રિગેડની કામગીરી:
અકસ્માતની જાણ થતા જ હમીરવાસ પોલીસ સ્ટેશનના અધિકારી રાય સિંહ સુથાર, એએસપી રિછપાલ સિંહ અને આઈપીએસ અભિજીત પાટીલ પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમે કલાકોની જહેમત બાદ વાહનોમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા પાંચ લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. વાહનોમાં લાગેલી આગ અને અકસ્માતને કારણે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને પોલીસે વાહનો ડાયવર્ટ કરીને હળવો કર્યો હતો.
તપાસ અને ઓળખની કાર્યવાહી:
પોલીસના જણાવ્યા અનુસાર, આગમાં મૃતદેહો ખરાબ રીતે બળી ગયા હોવાથી હાલમાં તેમની ઓળખ કરવી મુશ્કેલ બની છે. પોલીસ હાલમાં મૃતકોની ઓળખ કરવાના પ્રયત્નો કરી રહી છે અને ત્યારબાદ જ પરિવારજનોને જાણ કરવામાં આવશે. પ્રાથમિક તપાસમાં અકસ્માત પાછળ તેજ રફ્તાર અને બેદરકારી કારણભૂત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સમાચાર લખાયા ત્યાં સુધી કોઈ સત્તાવાર ગુનો નોંધાયો નહોતો, પરંતુ પોલીસે અકસ્માત સ્થળનું પંચનામું કરીને વધુ તપાસ હાથ ધરી છે.
(11:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
