તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th April 2026
પચપદ્રા રિફાઇનરીમાં ભીષણ અગ્નિકાંડ: પીએમ મોદીનો રાજસ્થાન પ્રવાસ અને ઉદ્ઘાટન છેલ્લી ઘડીએ મુલતવી!
ઉદ્ઘાટન પહેલા જ ધુમાડાના ગોટેગોટાએ આખું આકાશ કાળું કર્યું: ગ્રીનફિલ્ડ રિફાઇનરીમાં ક્રૂડ ડિસ્ટિલેશન યુનિટ પાસે લાગેલી આગ બાદ સુરક્ષા કારણોસર મંગળવારનો કાર્યક્રમ રદ!

જયપુર: રાજસ્થાનના બાલોત્રા જિલ્લામાં આવેલી દેશની પ્રતિષ્ઠિત પચપદ્રા રિફાઇનરી આજે બપોરે અચાનક આગની જવાળાઓમાં લપેટાઈ ગઈ હતી. આ ભીષણ આગને કારણે મંગળવારે યોજાનારો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ભવ્ય ઉદ્ઘાટન કાર્યક્રમ અને જાહેર સભા અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવ્યા છે. જ્યારે રિફાઇનરીના ક્રૂડ ડિસ્ટિલેશન યુનિટ પાસે આગ ફાટી નીકળી ત્યારે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. બે ડઝનથી વધુ ફાયર ફાઇટરોએ કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો છે, પરંતુ સુરક્ષા અને ટેકનિકલ ચકાસણીના ભાગરૂપે પ્રધાનમંત્રીના કાર્યક્રમને રદ કરવાનો નિર્ણય લેવાયો છે.
રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્મા પોતે પચપદ્રાની મુલાકાત લેવાના હતા, પરંતુ પીએમ મોદીનો પ્રવાસ રદ થતા તેમની મુલાકાત પણ સ્થગિત કરી દેવામાં આવી છે. પેટ્રોલિયમ મંત્રાલયે સોશિયલ મીડિયા પર પુષ્ટિ કરી છે કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, જે એક મોટી રાહતની વાત છે. જોકે, ઉદ્ઘાટનના બરાબર એક દિવસ પહેલા લાગેલી આ આગ પાછળ કોઈ ટેકનિકલ ખામી છે કે અન્ય કોઈ કારણ, તે જાણવા માટે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ભારતની આ પ્રથમ ગ્રીનફિલ્ડ ઇન્ટિગ્રેટેડ રિફાઇનરી હોવાથી તેનું મહત્વ અનેકગણું વધારે છે.
રિફાઇનરીમાં લાગેલી આગને કારણે મશીનરી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મોટા પાયે નુકસાન થયું હોવાની આશંકા છે. HPCL અને રાજસ્થાન સરકારના આ સંયુક્ત સાહસ દ્વારા ભારતની તેલ આયાત પરની નિર્ભરતા ઘટાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. આગના સમાચાર વાયુવેગે ફેલાતા બાલોત્રા અને આસપાસના વિસ્તારોમાં ગભરાટ ફેલાયો હતો. હવે નવી ઉદ્ઘાટન તારીખની જાહેરાત રિફાઇનરીની સંપૂર્ણ સુરક્ષા ચકાસણી બાદ જ કરવામાં આવશે. અત્યારે તો બાલોત્રામાં માત્ર ધુમાડો અને તપાસની ટીમો જ દેખાઈ રહી છે, જેની અસર આગામી લોકસભાના રાજકીય માહોલ પર પણ પડી શકે છે.
(8:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
