<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

પાકિસ્તાની શાસનના અત્યાચારો અને મોંઘવારી સામે પાક અધિકૃત કાશ્મીરમાં પ્રચંડ વિસ્ફોટ: ઈસ્લામાબાદ સરકારની શાસન વ્યવસ્થાને ઉખાડી ફેંકવા જનમેદની રસ્તા પર ઉતરી

​રાવલકોટમાં ૫૦ હજારથી વધુ આક્રોશિત નાગરિકોની ઐતિહાસિક રેલી અને સંપૂર્ણ શટડાઉન, પાક સેનાના ગોળીબાર અને અત્યાચારો સામે મહિલાઓએ કમાન્ડ સંભાળીને આઝાદીના નારા બુલંદ કર્યા

​રાવલકોટ : ​પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoJK) માં ઇસ્લામાબાદ સરકાર અને પાકિસ્તાની સૈન્ય વિરુદ્ધ સ્થાનિક જનતાનો લાંબા સમયથી દબાયેલો આક્રોશ હવે જ્વાળામુખીની જેમ ફાટી નીકળ્યો છે. પ્રદેશના રાવલકોટ વિસ્તારમાં પાકિસ્તાન સરકારની દમનકારી નીતિઓ, આકાશી આંબતી મોંઘવારી અને માનવાધિકારના ઉલ્લંઘન સામે ૫૦ હજારથી વધુ લોકોએ રસ્તા પર ઉતરીને એક વિશાળ અને ઐતિહાસિક વિરોધ પ્રદર્શન કર્યું છે. સમગ્ર વિસ્તારમાં સંપૂર્ણ શટડાઉનની સ્થિતિ વચ્ચે આયોજિત આ જનઆંદોલનમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે હજારોની સંખ્યામાં સ્થાનિક મહિલાઓએ મોરચો સંભાળી લીધો હતો. આઝાદી અને હક્કની લડાઈમાં અગ્રેસર બનેલી મહિલાઓએ પાકિસ્તાની વહીવટીતંત્રના વલણની આકરી આલોચના કરીને ઈસ્લામાબાદના શાસકોને ખૂણામાં ધકેલી દીધા છે.

​સ્થાનિક અહેવાલો અનુસાર, જોઈન્ટ અવામી એક્શન કમિટી (JAAC) ના નેતૃત્વ હેઠળ રાવલકોટના ઈદગાહ મેદાન અને અન્ય મુખ્ય માર્ગો પર આ રેલી યોજાઈ હતી. વિરોધ પ્રદર્શન કરી રહેલા નાગરિકોના હાથમાં પાકિસ્તાન વિરોધી બેનરો અને પ્લેકાર્ડ્સ હતા, જેના પર 'પાકિસ્તાની સેના પાછી જાઓ' જેવા સૂત્રો લખેલા હતા. તાજેતરમાં પાકિસ્તાની સુરક્ષા દળો અને રેન્જર્સ દ્વારા કરવામાં આવેલા અંધાધૂંધ ગોળીબારમાં અનેક નિર્દોષ નાગરિકોના મોત થયા હતા અને ડઝનબંધ લોકો ઘાયલ થયા હતા, જેના કારણે પ્રદેશમાં લોકશાહી ઢબે ન્યાય માંગતા લોકોનો ગુસ્સો ચરમસીમાએ પહોંચ્યો છે. આ હિંસક સૈન્ય કાર્યવાહી બાદ મુઝફ્ફરાબાદ અને રાવલકોટ સહિતના મોટાભાગના વિસ્તારોમાં કોમ્યુનિકેશન બ્લેકઆઉટ અને ઈન્ટરનેટ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવા છતાં વિરોધ પ્રદર્શન વધુ તીવ્ર બન્યું છે.

​આ આંદોલનની સૌથી વિશિષ્ટ બાબત એ છે કે અત્યાર સુધી ઘરોમાં રહેતી મહિલાઓ, શાળા-કોલેજની વિદ્યાર્થિનીઓ અને વડીલો પણ ખૂબ મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા છે. મહિલા નેતાઓએ પુરુષોની સાથે ખભેથી ખભો મિલાવીને પાકિસ્તાન આર્મીની બર્બરતા સામે મોરચો ખોલ્યો છે. પ્રદર્શનકારીઓને સંબોધતા સ્થાનિક નેતાઓએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન સરકાર હોસ્પિટલો, રોજગારી, સસ્તો લોટ, વીજળી અને મૂળભૂત અધિકારો માંગનારા નિઃશસ્ત્ર કાશ્મીરીઓને 'આતંકવાદી' અથવા 'વિદેશી એજન્ટ' તરીકે લેબલ કરી રહી છે, જે તદ્દન નિંદનીય છે. વાસ્તવિક આંતક અને ભય સુરક્ષા દળોના યુનિફોર્મ પાછળ છુપાયેલો છે અને બલુચિસ્તાન કે ખૈબર પખ્તુનખ્વાની જેમ હવે પીઓકેની જનતા પણ આ અત્યાચાર સહન કરવા તૈયાર નથી.

​બીજી તરફ, આ આંદોલનને કચડી નાખવા માટે પાકિસ્તાની વહીવટીતંત્રે જોહુકમી પૂર્વક આંદોલનના મુખ્ય ચાર નેતાઓ વિરુદ્ધ રાજદ્રોહના કેસ દાખલ કર્યા છે અને તેમના પર એક-એક કરોડ પાકિસ્તાની રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. જોકે, આવી ધમકીઓ છતાં આંદોલનકારીઓ ઝૂકવા તૈયાર નથી. રાવલકોટ, બાગ, કોટલી, મીરપુર અને મુઝફ્ફરાબાદ જેવા શહેરોમાંથી નીકળેલા વિવિધ કાફલાઓ રાવલકોટમાં એકઠા થયા બાદ હવે મુઝફ્ફરાબાદ તરફ કૂચ કરવાની તૈયારી કરી રહ્યા છે. સંયુક્ત એક્શન કમિટીએ વહીવટીતંત્ર સામે ૩૮ જેટલી આર્થિક અને રાજકીય માંગણીઓનું ચાર્ટર રજૂ કર્યું છે. આ ગંભીર માનવતાવાદી કટોકટી વચ્ચે વિરોધ કરી રહેલા સંગઠનોએ સંયુક્ત રાષ્ટ્ર (UN), એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ અને વૈશ્વિક મીડિયાને આ પ્રદેશની પરિસ્થિતિની નોંધ લેવા તથા પાકિસ્તાન સરકાર પર દબાણ લાવવા માટે ખુલ્લી અપીલ કરી છે.

(7:33 PM IST)