<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

ડ્રોન હુમલાનો પ્રચંડ ધડાકો: લાતવિયાની સરકાર પત્તાના મહેલની જેમ ધરાશાયી : પીએમ એવિકાનું રાજીનામું

યુક્રેનિયન ડ્રોન દ્વારા રિફાઇનરી પર થયેલા હુમલાએ લાતવિયાના રાજકારણને હલબલાવી નાખી : સંરક્ષણ વ્યવસ્થાની નિષ્ફળતા બાદ ગઠબંધન તૂટ્યું અને વડાપ્રધાન એવિકા સિલિનાએ સત્તા છોડવી પડી

રીગા:  યુરોપિયન દેશ લાતવિયામાં એક વિચિત્ર પણ ભયાનક રાજકીય વળાંક આવ્યો છે. યુક્રેન સાથે જોડાયેલા એક ડ્રોન હુમલાએ માત્ર તેલની રિફાઇનરી જ નહીં, પણ દેશની આખી સરકારને પણ ઉડાવી દીધી છે. વડા પ્રધાન એવિકા સિલિનાએ સત્તાવાર રીતે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ રાજકીય ભૂકંપ ત્યારે શરૂ થયો જ્યારે રશિયા તરફથી આવેલા યુક્રેનિયન ડ્રોન્સે લાતવિયાની હવાઈ સરહદમાં ઘૂસીને એક મહત્વપૂર્ણ ઓઈલ સ્ટોરેજ સુવિધાને નિશાન બનાવી હતી. આ ઘટનાએ દેશની સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલી નાખી અને વિપક્ષ સહિત ગઠબંધન પક્ષોમાં પણ રોષ વ્યાપી ગયો.

વડા પ્રધાન સિલિનાની સરકાર ત્યારે મુશ્કેલીમાં મુકાઈ જ્યારે તેમના જ ગઠબંધન સાથી 'પ્રોગ્રેસિવ્સ પાર્ટી'એ ટેકો પાછો ખેંચી લીધો. એવિકાએ ભારે હૈયે જણાવ્યું કે દેશના હિત કરતા કેટલાક પક્ષો માટે "નાના રાજકીય લાભો" વધુ મહત્વના બની ગયા છે. અગાઉ સંરક્ષણ પ્રધાન એન્ડ્રિસ સ્પ્રુડ્સે પણ આ સુરક્ષા ભંગની જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યું હતું. વડા પ્રધાને સ્વીકાર્યું કે જનતાને આપેલું 'સુરક્ષિત આકાશ'નું વચન પૂરું કરવામાં નેતૃત્વ નિષ્ફળ ગયું છે, જેનો દંડ હવે સરકારના પતન રૂપે ચૂકવવો પડી રહ્યો છે.

રસપ્રદ વાત એ છે કે લાતવિયા તેના જીડીપી  ના આશરે 5 ટકા જેટલો જંગી ખર્ચ સંરક્ષણ પાછળ કરે છે, જે વિશ્વના સૌથી ઊંચા સંરક્ષણ બજેટ પૈકીનું એક છે. આટલો મોટો ખર્ચ કરવા છતાં એક સામાન્ય ડ્રોન હુમલો દેશના વ્યૂહાત્મક એકમોને નુકસાન પહોંચાડે તે જનતા માટે અસ્વીકાર્ય હતું. હવે રીગા કેસલ ખાતે રાષ્ટ્રપતિ અને વિવિધ સંસદીય પક્ષો વચ્ચે નવી સરકાર રચવા માટે મંથન શરૂ થશે. ત્યાં સુધી એવિકા સિલિના કામચલાઉ વડાપ્રધાન તરીકે ફરજ બજાવશે, પરંતુ લાતવિયાનું આ રાજકીય સંકટ સમગ્ર યુરોપ માટે ચેતવણી સમાન છે.

(5:53 PM IST)