News of Saturday, 4th July 2026
રશિયાના સેન્ટ પીટર્સબર્ગ ઓઇલ ટર્મિનલ પર યુક્રેનનો પ્રચંડ ડ્રોન હુમલો: રશિયન એર ડિફેન્સે ૭૨ ડ્રોન તોડી પાડ્યા, ક્રિમિયામાં ભારે તબાહી બાદ પેટ્રોલ-ડીઝલના વેચાણ પર પ્રતિબંધ!
પ્રમુખ ઝેલેન્સકીએ ગણાવ્યો રશિયા પર અત્યાર સુધીનો સૌથી મોટો પલટવાર; ક્રોનસ્ટાડ લશ્કરી મથકને પણ નિશાન બનાવાયું, ક્રિમિયામાં હુમલા દરમિયાન એકનું મોત અને બાળક સહિત બે ઘાયલ

મોસ્કો : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું ભીષણ યુદ્ધ હવે વધુ ખતરનાક વળાંક પર પહોંચી ગયું છે. આજે યુક્રેનિયન દળોએ રશિયાની સરહદની અંદર ઘૂસીને તેના બીજા સૌથી મોટા શહેર અને વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા સેન્ટ પીટર્સબર્ગ પર અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો કર્યો છે. યુક્રેનિયન ડ્રોન્સે સેન્ટ પીટર્સબર્ગના એક વિશાળ ઓઇલ ટર્મિનલ અને લશ્કરી મથકોને નિશાન બનાવતાં રશિયન એર ડિફેન્સ સિસ્ટમ્સ (હવાઈ સંરક્ષણ પ્રણાલી) એ હાઈએલર્ટ મોડ પર આવીને જવાબી કાર્યવાહી કરવી પડી હતી.
આકાશમાં જ ખેલાયો ડ્રોન સંગ્રામ
સેન્ટ પીટર્સબર્ગના ગવર્નર એલેક્ઝાન્ડર બેગલોવે આ હુમલાની પુષ્ટિ કરતાં જણાવ્યું છે કે, બાલ્ટિક સમુદ્ર કિનારે આવેલા કિરોવ્સ્કી જિલ્લાને લક્ષ્ય બનાવીને આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. રશિયન સૈન્યના દાવા અનુસાર, તેમની એર ડિફેન્સ સિસ્ટમે આ અદ્યતન હુમલાને નિષ્ફળ બનાવતા સેન્ટ પીટર્સબર્ગ અને તેની આસપાસના પડોશી પ્રદેશો પર એકસાથે ૭૨ યુક્રેનિયન ડ્રોનને આકાશમાં જ તોડી પાડ્યા હતા. જો કે, આટલી મોટી સંખ્યામાં થયેલા ડ્રોન હુમલાના કારણે સમગ્ર શહેરમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પ્રમુખ ઝેલેન્સકીની ખુલ્લી ચેતવણી: આ તો માત્ર શરૂઆત છે
બીજી તરફ, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ આ ઓપરેશનની જવાબદારી સ્વીકારતા તેને રશિયા વિરુદ્ધ યુક્રેનના લાંબા અંતરના (Long-range) જવાબી પ્રહારોનો એક હિસ્સો ગણાવ્યો છે. તેમણે મોટું નિવેદન આપતાં કહ્યું કે, યુક્રેનિયન જવાનોએ માત્ર બંદરના ઓઇલ ટર્મિનલને જ નહીં, પરંતુ સેન્ટ પીટર્સબર્ગના દરિયાકાંઠે આવેલા ક્રોનસ્ટાડ (Kronstadt) ટાપુ પર સ્થિત રશિયાના અત્યંત ગુપ્ત અને મજબૂત લશ્કરી મથકને પણ સફળતાપૂર્વક નિશાન બનાવ્યું છે.
ક્રિમિયામાં ઈંધણ કટોકટી: ગેસોલિનના વેચાણ પર રોક
આ દરમિયાન રશિયાના કબજા હેઠળના ક્રિમિઅન દ્વીપકલ્પ પર પણ યુક્રેને મિસાઈલ અને ડ્રોન વડે કમરતોડ હુમલા ચાલુ રાખ્યા છે. ક્રિમિયામાં સ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે સ્થાનિક વહીવટીતંત્રને ઈંધણની અછત ઉભી થવાના ડરથી સામાન્ય નાગરિકો માટે ગેસોલિન (પેટ્રોલ) ના વેચાણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવો પડ્યો છે. મોસ્કો દ્વારા નિયુક્ત ક્રિમિયાના ગવર્નર સેરગેઈ અક્સ્યોનોવે જણાવ્યું કે, આજના ભયાનક હુમલામાં એક સામાન્ય નાગરિકનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે ૧૦ વર્ષના માસૂમ બાળક સહિત અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. યુક્રેનની આ આક્રમક વ્યૂહરચનાથી રશિયાની ચિંતામાં મોટો વધારો થયો છે.
(10:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
