તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 17th May 2026
મોસ્કો પર યુક્રેનનો ૬૦૦ ડ્રોન સાથે પ્રચંડ ડ્રોન હુમલો: રશિયાની ધરતી પર ભારતીય કામદારનું મોત
મોસ્કોના ૧૪ પ્રદેશોમાં મચી તબાહી : ભારતીય દૂતાવાસે એક ભારતીયના મોતની પુષ્ટિ કરી : ઝેલેન્સકીએ હુમલાને રશિયન અત્યાચારો સામેની 'વાજબી કાર્યવાહી' ગણાવી

મોસ્કો : રશિયા-યુક્રેન યુદ્ધ હવે મોસ્કોની સીમાઓ ઓળંગી ગયું છે. યુક્રેને રશિયા પર ૬૦૦ જેટલા આત્મઘાતી ડ્રોનથી ભીષણ હુમલો કર્યો, જેમાં મોસ્કો ક્ષેત્રમાં કામ કરતા એક ભારતીય કામદારનું કરુણ મોત નિપજ્યું છે અને અન્ય ત્રણ ભારતીયો ઘાયલ થયા છે. ભારતીય દૂતાવાસે આ ઘટનાની પુષ્ટિ કરતા શોક વ્યક્ત કર્યો છે અને ઘાયલોની મદદ માટે સ્થાનિક વહીવટીતંત્ર સાથે સંપર્ક સાધ્યો છે. રશિયાએ દાવો કર્યો છે કે તેમની સંરક્ષણ પ્રણાલીએ મોટાભાગના ડ્રોન તોડી પાડ્યા છે, પરંતુ હુમલાની તીવ્રતા એટલી વધુ હતી કે રશિયાના ૧૪ પ્રદેશોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ આ હુમલાને કાયદેસરની કાર્યવાહી ગણાવતા કહ્યું કે, રશિયા જે રીતે યુક્રેનના શહેરોને નિશાન બનાવી રહ્યું છે તેનો આ જડબાતોડ જવાબ છે. થોડા દિવસો પહેલા જ રશિયાએ કિવ પર કરેલા હુમલામાં ૨૪ નાગરિકો માર્યા ગયા હતા, જેના બદલા તરીકે યુક્રેનના લાંબા અંતરના ડ્રોને મોસ્કો સુધી પહોંચી રશિયાને યુદ્ધ રોકવાનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે. આ હુમલાએ સાબિત કર્યું છે કે યુક્રેન હવે રશિયાના સુરક્ષિત ગણાતા વિસ્તારોમાં પણ ઘૂસીને પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે.
રશિયન સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ, ક્રિમીઆ, કાળો સમુદ્ર અને એઝોવ સમુદ્ર સહિતના વિસ્તારોમાં ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં કુલ ચાર લોકોના મોત થયા છે. ભારતીય દૂતાવાસ હાલમાં મૃતક ભારતીયના પાર્થિવ દેહને વતન મોકલવા અને ઘાયલોને યોગ્ય સારવાર મળે તે માટે પ્રયત્નશીલ છે. આ ઘટનાએ યુદ્ધમાં ફસાયેલા નિર્દોષ વિદેશી નાગરિકોની સુરક્ષા પર ફરી એકવાર ગંભીર સવાલ ઉભા કર્યા છે.
(6:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
