<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

મેરી કોમનો હુંકાર: "મારા જેવો વારસો જાળવવો અશક્ય, આજના યુવાનો થોડી ફેમ મળતાં જ સખત મહેનત કરવાનું છોડી દે છે!"

'મેગ્નિફિસેન્ટ મેરી'એ પોતાની સફળતા અને લાંબી કારકિર્દીનું રહસ્ય ખોલ્યું: રિંગમાં તમામ શંકાઓનો જવાબ આપનાર મહાન બોક્સરે યુવા પેઢીના અહંકાર સામે લાલબત્તી ધરી

નવી દિલ્હી : વિશ્વ બોક્સિંગમાં 'મેગ્નિફિસેન્ટ મેરી' તરીકે ખ્યાતિ મેળવનાર ૬ વખતની વર્લ્ડ ચેમ્પિયન અને ઓલિમ્પિક મેડલ વિજેતા એમ સી મેરી કોમે (MC Mary Kom) પોતાની સફળતા, લાંબા આયુષ્ય અને નવી પેઢીના બોક્સરો અંગે અત્યંત નિખાલસ અને પ્રેરણાદાયી વિચારો રજૂ કર્યા છે. રિંગમાં પોતાના પર ઉઠેલા દરેક પ્રશ્નો અને પડકારોનો પોતાના પંચથી ઉત્તર આપનાર મેરી કોમે સ્પષ્ટ કહ્યું છે કે રમતમાં તેના જેવો વારસો આગળ ધપાવવો આજના યુવાનો માટે લગભગ અશક્ય છે.

તેણીની આટલી લાંબી અને પ્રભાવશાળી કારકિર્દીના રહસ્ય અંગે વાત કરતાં મેરી કોમે જણાવ્યું હતું કે, "મારી લાંબી કારકિર્દીનું રહસ્ય મારું અચળ ધ્યાન અને ક્યારેય આળસુ ન બનવાનો મારો દ્રઢ નિર્ણય હતો. રમતગમતમાં ખૂબ જ મર્યાદિત અને અનોખા લોકો જ આટલી લાંબી મજલ કાપી શકે છે, જેઓ પોતાની રમત માટે સંપૂર્ણપણે સમર્પિત થવા તૈયાર હોય છે."

આજના યુવાનો પર કટાક્ષ: "થોડી પ્રસિદ્ધિ મળતાં જ અહંકાર આવી જાય છે"

પોતાના વારસા અને નવી પેઢી વિશે વાત કરતા મેરી કોમે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, "મારા વારસાને આગળ ધપાવવો ખૂબ મુશ્કેલ છે. મને નથી લાગતું કે કોઈ તે કરી શકે, કારણ કે મારા જેવું બીજું કોઈ બની જ ન શકે. આનું મુખ્ય કારણ એ છે કે આજના બાળકો એક નાની સિદ્ધિ કે થોડી ખ્યાતિ મળ્યા પછી અહંકારી બની જાય છે. થોડીક ફેમ મળ્યા બાદ તેઓ સખત મહેનત કરવા માંગતા નથી."

બે વખત માતૃત્વના વિરામ પછી પણ ફરીથી રિંગમાં પુનરાગમન કરીને વિશ્વ ખિતાબ જીતનારી મેરી કોમે સાબિત કરી બતાવ્યું છે કે સખત પરિશ્રમ, શિસ્ત અને નિષ્ઠાનો કોઈ વિકલ્પ નથી.

(7:58 PM IST)